રાજુલાના કોટડી ગામે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. એક સગીરાએ તેના બાપુજીને પ્રેમસંબંધ અંગે ખબર પડી જતાં સંબંધ પૂરો કરી નાંખ્યો હતો. જેને લઈ યુવકે તેને તું મારી સામે જો કહી છેડતી કરી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ફળીયામાં ઢસડી હતી. બનાવ સંદર્ભે સગીરાએ ભાવેશભાઈ મનુભાઈ સોલંકી તથા રોહિતભાઈ રાઘવભાઈ બાંભણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને ભાવેશભાઈ મનુભાઈ સોલંકી સાથે પ્રેમસંબંધ હતો. જે અંતે તેમના બાપુજીને ખબર પડી જતાં પ્રેમસંબંધ પૂરો કરી નાંખ્યો હતો. તેમ છતાં આરોપી જ્યારે સામો મળે ત્યારે ગાડીના હોર્ન મારતો હતો અને તું મારી સામું જો તેમ કહી છેડતી કરતો હતો. આ અંગે તેના પિતાએ આરોપીને ઠપકો આપ્યો હતો. જેનું મનદુખ રાખી બંને આરોપી તેના ઘરમાં ઘૂસ્યા હતા. આ સમયે તેમના બાપુજી વચ્ચે પડતાં તેને પણ ધક્કો મારી પછાડી દઈને મુંઢ ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી.