અમરેલી નજીક આવેલા ફતેપુર (ભોજલધામ) ગામે આગામી તા.૪થી ૬ ફેબ્રુઆરી દરમ્યાન ભોજલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. ભોજલધામ ખાતે આ દિવસે સેવા, સંસ્કાર અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ બનશે. ત્રણ દિવસ યોજાનાર ભોજલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દિવ્ય આયોજન કરવામાં આવ્યા છે. જેમાં મૂર્તિની નગરયાત્રા, મૂર્તિ પ્રતિષ્ઠા દર્શન, મહાયજ્ઞ દર્શન, શ્રી કૃષ્ણલીલા નાટક, સંત સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ભવ્ય આતશબાજી, અન્નકૂટ દર્શન, ભવ્ય લોકમેળો, ભજન સંતવાણી, વિવિધ મેડિકલ કેમ્પો, બાળ નગરી સહિતનાં અનેક ધાર્મિક આયોજનો કરવામાં આવનાર છે. ભોજલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં આ મહાયજ્ઞમાં બેસવા માટે લાભ લેવા જણાવવામાં આવ્યુ છે. ત્રણ દિવસ સુધી ફતેપુર(ભોજલધામ) ગામ ભક્તિનાં રંગમાં રંગાશે.