ભાભી તો ભાવનાના ભૂખ્યાં હોય તેમ લાગે છે. તેમનું સ્મિત પણ કેવું ભારે ભારે ને વળી મારકણું… ગમે તેવું. સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખે તેવું તેનું રમતીયાળ સ્મિત ! એની હાજરી મન અને મગજને શાંતિ આપે તેવો અહેસાસ મને અત્યારે થયો. તેનું પાતળું શરીર ખૂબ જ સુંદર, ગોળ ગોળ રતુંમડો લીસો ચહેરો, હોઠ જરા જાડા પરંતુ રસભર્યા હોય તેવા રસાળ. આંખોની સફેદીમાં સ્નેહભર્યા અનેક સપના જાણે ડોકિયું કરતા હોય તેવું લાગતું હતું. વળી તેના નયનો ઉપરના નેણ તો ધારી ધારીને જાયા કરવાનું મન થાય. વળી તેનો સ્વભાવ તો અહા….હા, ખૂબ જ સરસ !
“મહેશ, શાક હજી છે હોં, થોડું તો લઇ લે, હજી દાળ અને ભાત તો બાકી જ છે. ને છેલ્લે છાસ તો પીવી જ પડશે…” દામલે આગ્રહ કરતાં કહ્યું.
“સર…, મેં તમને પહેલાં જ કહ્યું તેમ, પેટ વધે ને ચરબી વધે તેવું હું જરાપણ ખાતો નથી. દાળ અને ભાત તો મેં ઘણા સમયથી સાવ જ બંધ કરી દીધા છે. એક વાત કહું ? જમવામાં હું જરાપણ શરમાતો નથી.”
આમ જમવાનું પૂરૂં થયું.. જમી લીધા પછી તરત દામલે મહેશને પૂછયું: “પાન-મસાલો ખાવા જઇશું…?”
“મારે એવું કોઇ બંધાણ – વ્યસન નથી સર…, બહુ થાય તો કયારેક જ મીઠું પાન ખાઇ લઉ. પરંતુ અત્યારે નહીં…” મહેશે જવાબ આપ્યો.
“ખૂબ સારૂં કહેવાય, આજકાલના છોકરા તો સિગારેટ ચૂસે… માવા ખાય. જાને મારે પણ પહેલેથી જ માવાનું બંધાણ છે. ચાલ…, મારે પણ અત્યારે માવો નથી ખાવો, તમાકુથી ચલાવી લઇશ…” એમ બોલી દામલ તમાકુની ડબી કાઢી તમાકુ તૈયાર કરવા મંડાઇ પડયો.
અદ્યતન અને અતિ વૈભવી એવા સોફા પર દામલ અને મહેશ આરામથી બેઠા હતા. કંઇક યાદ આવતા ઊભા થઇને મહેશ તેની બેગ લઇ આવ્યો. બેગ ખોલી તેમાંથી એક કાગળ કાઢી દામલને હાથમાં આપતાં બોલ્યો:“તમારા માટે આ પત્ર જાડેજા સાહેબે મને આપ્યો છે…”
મિત્રનો પત્ર જાતાં જ દામલની આંખો ચકળ-વકળ થઇ ચમકી ઊઠી. તેના ગાલના ગલોફા થોડા ફુલાયા. ને પત્ર વાંચવા દામલની આંખો જાણે ઉતાવળી થઇ રહી. પછી.. મોતીના દાણા જેવા અક્ષરો પર દામલની નજર ફરવા લાગી:
દોસ્ત, જીગરી મિત્ર, સૌહાર્દ…!
પ્રથમ તો મારા તને પ્રણામ..! હું અમરવેલી આવી શક્યો નથી એટલે તો આ પત્ર લખું છું. આ પત્ર દ્વારા આપણે રૂબરૂ મળ્યા હોઇએ એવો અહેસાસ તને થશે જ, બરાબરને ? હવે તને કેમ છે ? બરાબર તો છે ને ? થયું એવું કે, ત્યાં આવેલ મહેશના પપ્પા વિસાવદરમાં મોટામાં મોટા વેપારી છે, માલદાર છે. તેઓ ખૂબ જ કામના માણસ પણ છે. અવારનવાર પુરવઠા બાબતને લઇને અમે મળતા રહીએ છીએ. એક દિવસ તેના છોકરા મહેશ વિશે વાત નીકળી અને મહેશને નોકરી મળી તે વિશે તેણે મને વાત કરી. પછી તેનો ઓર્ડર અમરવેલીનો હતો તે મેં જાણ્યું. ને અમરવેલીનું નામ સાંભળતાવેંત તરત જ તું મને યાદ આવી ગયો. મારી આંખે તું ચડયો એટલે પછી મારે તને પત્ર તો લખવો જ પડે. લખી નાખ્યો. હવે જા, મહેશ થોડો નાનો છોકરો છે પરંતુ ખૂબ જ બાહોશ એવો તરવરિયો યુવાન છે. તેને મારા વતી સંભાળી – સાચવી લેજે. મને તો ખબર જ છે કે, તું તો મોટો સેવાભાવી અને કર્તવ્યપરાયણ છે. સાવ અજાણ્યાને પણ આશરો દેવાવાળો એક માત્ર મિત્ર તું છે. પત્રમાં હવે વધારે વાત કરવી નથી. હા, મહેશને તું બધી રીતે મદદ કરજે. અને હા, એ તો સાવ ભૂલી ગયો, મારા વતી ભાભીને મારા ખૂબ ખૂબ પ્રણામ…!
– તારો ને તારો જ માત્ર રણમલ જાડેજા.
પત્ર વાંચતાની સાથે દામલની આંખ જરા ભીની ભીની થઇ ગઇ. એક અંગત મિત્રનો પત્ર વાંચતા જા આંખો પલળે તો તેની મિત્રતા કેટલી બધી મહાન હોય! મહેશ તો સાચે જ વિચારમાં ફસાયો.
ત્યાં તો વળતી પળે સ્વસ્થ થઇ મહેશ સામે જાતા દામલે પૂછયું ઃ “તારે હાજર કયારે થવાનું છે ? ”
“આવતીકાલે સવારના અગિયાર વાગે…” મહેશે કહ્યું.
“સારૂં, હું તારી સાથે આવીશ. તારે જરાપણ ચિંતા કરવાની જરૂર નથી.”
“સર…! આમેય હું એવી ચિંતા તો કરતો જ નથી. બસ, ખુશીથી અને શોખથી મારે નોકરી કરવી છે. કયારેય ખોટું તો કરવું જ નથી. એટલે પછી ચિંતા વળી શેની…? ”
(ક્રમશઃ)









































