તમિલનાડુ વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે, શાસક ડીએમકે અને વિપક્ષ એઆઇએડીએમકેએ તેમના ચૂંટણી ઢંઢેરા બહાર પાડ્યા છે. આ ઢંઢેરામાં મુખ્ય મતદાતા જૂથો, ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતો માટે અનેક કલ્યાણકારી વચનો છે. ડીએમકેએ ૨૦૨૧ની ચૂંટણીમાં ૫૦૫ વચનો આપ્યા હતા પરંતુ આ વખતે તેણે આ સંખ્યા વધારીને ૫૨૫ કરી છે. બીજી તરફ, સત્તામાં પાછા ફરવા માંગતી એઆઈએડીએમકેએ કલ્યાણકારી યોજનાઓ અને લક્ષિત સબસિડી પર ધ્યાન કેન્દ્રિત કરીને ૨૯૭ વચનો આપ્યા છે.
બંને પક્ષોના મેનિફેસ્ટોનો મુખ્ય પાસું મહિલા-કેન્દ્રિત યોજનાઓ પર ભાર મૂકવાનો છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને જાહેરાત કરી હતી કે આવકવેરા ભરતા પરિવારોની ગૃહિણીઓને જરૂરી ઘરગથ્થુ ઉપકરણો ખરીદવા અથવા બદલવા માટે ૮,૦૦૦ ના કુપન મળશે. ડીએમકેએ મહિલાઓ માટે માસિક નાણાકીય સહાય ૧,૦૦૦ થી વધારીને ૨,૦૦૦ કરવાનું પણ વચન આપ્યું છે.
એઆઈએડીએમકેના મહાસચિવ કે. પલાનીસ્વામીએ જા તેમની પાર્ટી સત્તામાં આવશે તો રેશનકાર્ડ ધારકોને મફત રેફ્રિજરેટર આપવાનું વચન આપ્યું છે. વધુમાં, ‘કુલા વિલાક્કુ’ યોજના હેઠળ, એઆઈએડીએમકેએ તમામ ફેમિલી કાર્ડ ધારકો માટે ૨,૦૦૦ ની સબસિડીનો પ્રસ્તાવ મુક્યો છે, જેને પાર્ટી રાજ્યભરના પરિવારોને સીધા લાભ તરીકે રજૂ કરી રહી છે.
બંને પક્ષોએ સમાજ કલ્યાણ ક્ષેત્રમાં સમાન વચનો આપ્યા છે. તેમણે વૃદ્ધાવસ્થા પેન્શન ૧,૨૦૦ થી વધારીને ૨,૦૦૦ અને માછીમારી પ્રતિબંધ રાહત સહાય ૮,૦૦૦ થી વધારીને ૧૨,૦૦૦ કરવાનું પણ વચન આપ્યું છે.
શિક્ષણ ક્ષેત્રમાં, ડીએમકેએ આગામી પાંચ વર્ષમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા ૩.૫ મિલિયન વિદ્યાર્થીઓને મફત લેપટોપનું વિતરણ કરવાનું વચન આપ્યું છે. એઆઈએડીએમકેએ પણ સમાન પ્રસ્તાવ મુક્યો છે, જેમાં સરકારી અને સરકારી સહાયિત કોલેજામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લેપટોપનું વચન આપ્યું છે.
બંને પક્ષોના ઢંઢેરામાં આવાસ અને ગ્રામીણ વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. ડીએમકેએ પાંચ વર્ષમાં ૧૦ લાખ ઘરો બનાવવાનું વચન આપ્યું છે, જ્યારે એઆઈએડીએમકેએ તેની ‘અમ્મા ઇલ્મ’ યોજના હેઠળ બેઘર પરિવારોને મફત આવાસ આપવાનું વચન આપ્યું છે.
ખેડૂતોને આપેલા મુખ્ય વચનોમાં ડાંગર માટે લઘુત્તમ ટેકાના ભાવ ૩,૫૦૦ પ્રતિ ક્વન્ટલ અને શેરડી માટે લઘુત્તમ ટેકાના ભાવ ૪,૫૦૦ પ્રતિ ટન કરવાનો સમાવેશ થાય છે.
આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં, સ્ટાલિને વીમા પાત્રતા માટે આવક મર્યાદા ૫ લાખ અને કવરેજ ૧૦ લાખ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે, જ્યારે પલાનીસ્વામીએ હૃદય સર્જરી અને કેન્સર સંભાળ જેવી મુખ્ય સારવાર માટે સંપૂર્ણ સરકારી ભંડોળની ખાતરી આપી છે.
બંને પક્ષોએ રાષ્ટીય શિક્ષણ નીતિના કેટલાક પાસાઓ સામે પોતાનો વિરોધ પુનરાવર્તિત કર્યો છે અને તમિલનાડુના અધિકારોનું રક્ષણ કરવાનું વચન આપ્યું છે. તેમણે શિક્ષણને રાજ્ય યાદીમાં પાછું લાવવા માટે પણ કામ કરવાનું વચન આપ્યું છે.










































