કોડીનાર તાલુકાના ડોળાસા બાયપાસની ગટરનું કામ અધૂરું છોડી દેવાતા લેરકા રોડ પરના ઓવરબ્રિજ આસપાસ ત્રણ ત્રણ ફૂટ પાણીનો ભરાવો થવાનો છે. જેના કારણે લેરકા રોડ ઉપર જમીન, રહેણાક ધરાવતા ખેડૂતો, લેરકા, સોખડા ગામના વિદ્યાર્થી ભાઈ-બહેનો મોટી મુશ્કેલીનો સામનો કરશે, પણ હાઇવે તંત્રને કોઈ ચિંતા નથી. ડોળાસા બાયપાસનું કામ પૂરું થયું છે. પણ ચોમાસાના પાણીના નિકાલ માટે કરવામાં આવેલ ગટરનું કામ નેશનલ હાઇવે દ્વારા હજુ સુધી પૂરું કરવામાં આવ્યું નથી. જેના કારણે આ ચોમાસામાં જ ભયાનક સ્થિતિ સર્જાવાની છે. પંદર કિ.મી.નું ખેતરાઉ પાણી એક જ જગ્યાએ લેરકા રોડ ઓવરબ્રિજની આસપાસ જમા થશે. જેના કારણે લેરકા રોડ ઉપર વાડી, ઢોરવાડા કે રહેણાક ધરાવતા ખેડૂતો ભારે મુસીબતમાં મુકાશે. અહીં ત્રણ ત્રણ ફૂટ પાણીનો ભરાવો થશે અને વાહનો પણ નહિ ચાલે…! ચોમાસુ બિલકુલ નજીક આવી ગયું પણ ગટરનું કામ હજુ સુધી કેમ પૂરું કરવામાં આવ્યું નથી તેની તપાસ સુદ્ધાં કરવામાં આવતી નથી. આ રોડની દેખરેખ કોણ કરે છે.? તે પણ એક ગંભીર સવાલ છે. તંત્ર ગટરનું અધૂરું કામ પૂર્ણ કરાવે તેવી પ્રબળ લોક માંગ છે.