બંગાળની ખાડી ફરી એકવાર ઉત્તર-પશ્ચિમ ભાગમાં તોફાની બની છે. તે જ સમયે, દરિયાકાંઠાના વિસ્તારો, પૂર્વી અને મધ્ય ભારતમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે ચોમાસું સક્રિય થયું છે. ચોમાસું ફરી એકવાર સક્રિય થવા લાગ્યું છે. હવામાન વિભાગે ૧૯ જૂન સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૨૧ જૂન સુધી દક્ષિણ ભારતમાં હવામાન બગડી શકે છે. આઇએમડી અનુસાર, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ સાથે ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ૧૭ જૂન સુધી કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. ૧૫ જૂને તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ૨૦ સેમીથી વધુ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ૨૧ જૂન સુધી પશ્ચિમ ભારતના ગુજરાત, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું બેસી ગયું છે. આ સાથે આજે ૧૬મી જૂને અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
૧૭મી તારીખે ભાવનગરમાં જ અતિભારે વરસાદની આગાહી છે. જાકે, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠાના ધાનેરામાં પણ ગરમી અને ભારે બફારા બાદ રવિવારે સાંજના સુમારે પવન સાથે વરસાદ તૂટી પડતાં ધાનેરાના મુખ્ય બજારોમાં પાણી ભરાયાં હતાં. ધાનેરા નગરપાલિકા પાસે, ધાનેરા જૂના બસ સ્ટેન્ડ, નેનાવા રોડ તેમજ ધાનેરાથી ડીસા રોડ પર આવેલ મુખ્ય બજારોમાં પાણી ભરાતાં વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાપુતારામાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેથી શનિ-રવિની મજા કરવા આવેલા પ્રવાસીઓમાં આનંદનો માહોલ જાવા મળ્યો હતો. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આહવામાં ૩.૫ ઇંચ, વઘઇમાં ૨.૧ ઇંચ, સુબિરમાં ૧.૭૮ ઇંચ અને સાપુતારામાં ૧.૨ ઇંચ વરસાદ નોંધાયો છે.