રાજુલાના કોટડી ગામે ડુંગળી લે-વેચના કમીશન એજન્ટને ગાળો બોલીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. તેની પત્નીને પણ મુંઢમાર માર્યો હતો. બનાવ અંગે ભુપતભાઇ રામભાઇ ગુજરીયા (ઉ.વ.૪૪)એ ભવનભાઇ કવાડ સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ ડુંગળી લે-વેચનું કમીશન એજન્ટનું કામ કરતા હતા. આરોપીએ તેમની પાસેથી ડુંગળીની ખરીદી કરી હતી. જે ડુંગળી વેચવા મોકલતા ઓનીયન પેઢીના માલિકે ડુંગળી ખરાબ હોવાના કારણે ખરીદી કરી નહોતી. જેથી ડુંગળી આરોપીને સસ્તા ભાવે વેચવી પડી હતી. આ નુકસાનીના રૂપિયા તેમની પાસે માંગ્યા હતા. જે રૂપિયા તેઓ આપવા માંગતા ન હોવાથી પાંચેય આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી સમાન ઇરાદો પાર પાડવા તેમના ઘરે આવ્યા હતા અને તેમને તથા તેના પત્નીને ગાળો આપી, ઢીકાપાટુ વડે મુંઢમાર મારી ઇજાઓ કરી હતી તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.બી. જાની વધુ તપાસ કરી રહ્યા છે.