મહુવાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને જેસર તાલુકા પંચાયતના સભ્ય ગભરૂભાઈ જી. કામળીયાએ
કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીને પત્ર લખીને લાલ ડુંગળીનાં અતિ નીચે ગયેલા ભાવોથી ખેડુતોને થઈ રહેલ આર્થિક નુકસાની સામે સરકાર દ્વારા સહાય કરવા પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ડુંગળીનો પાક નીકળવાનો શરૂ છે. જેમાં હાલનાં સમયે લાલ ડુંગળીનાં ભાવો એકદમ ઘટી ગયેલ છે. આજની તારીખે લાલ ડુંગળીનાં સરેરાશ ભાવ પ્રતિ ૨૦ કિલોનાં રૂ.૭૦/- થી રૂ. ૧૨૦/- ખેડુતોને મળી રહ્યા છે. ચાલુ સાલ ડુંગળીનાં પાકમાં ખેડુતોને ખરાબ હવામાનનાં કારણે વીઘા દીઠ ઉત્પાદન ઓછુ એટલે કે પ્રતિ વીઘા દીઠ ૧૫૦થી ૨૦૦ મણનું ઉત્પાદન એવરેજ મળી રહેલ છે. તેમજ ડુંગળીની ગુણવતા પણ નબળી રહેલ છે. તેમજ ખાતર, દવા, બીયારણ અને મજુરીનાં ખુબ જ ભાવો વધી ગયેલ હોવાથી પડતર ખુબજ ઉંચી આવે છે. આથી ખેડુતોને પ્રતિ ૨૦ કિલોનાં રૂ.૨૫૦/- ઉપરનાં ભાવો મળે તો જ પોષણક્ષમ ભાવો મળ્યા ગણી શકાય, જે હાલ મળી રહ્યા નથી તેથી ખેડૂતોને તાત્કાલીક સહાય પેકેજ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.











































