ઓળખઃ ડાળી માખી વૈજ્ઞાનિક ભાષામાં એપિસ ફ્લોરિયા તરીકે ઓળખાય છે. તે મધમાખીની અન્ય પ્રજાતિઓની સરખામણીમાં નાના કદની હોવાથી તેને નાની માખી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો રંગ સામાન્ય રીતે રતાશ પડતો બદામી હોય છે, જે તેમને અન્ય મધમાખીઓથી અલગ પાડે છે. મધમાખીઓની અન્ય પ્રજાતિઓ ઝાડની બખોલ અથવા માનવ-નિર્મિત પેટીમાં તેમના મધપૂડાઓનું નિર્માણ કરે છે. જ્યારે ડાળી માખી ખુલ્લા સ્થળોએ, ઝાડીઓમાં, વૃક્ષોની ડાળીઓ પર અથવા દિવાલો પર એક નાનો મધપૂડો બનાવે છે. ડાળી માખી તેનો મધપૂડો આંબા, જામફળ, આસોપાલવ, જાંબુ, જાસૂદ, વાંસ, નાળિયેરી વગેરે જેવા ઝાડની ડાળીઓ પર બનાવે છે.
જીવનચક્રઃ
ડાળી માખીના મધપૂડામાં ત્રણ જાતની મધમાખીઓ જોવા મળે છે, જેમાં એકમાત્ર રાણી માખી, ૧૦૦-૨૦૦ વંધ્ય નર માખીઓ અને ૧૦૦૦-૨૦૦૦ કામદાર માદા માખીઓ. રાણી માખી મધપૂડાના દરેક કોષમાં એક ચોખાનાં દાણા જેવુ ઈંડું મૂકે છે. તે ઈંડામાંથી ૨-૩ દિવસમાં ઈયળો નીકળે છે. એક અઠવાડિયા સુધી મધ, પરાગ અને રોયલ જેલી ખાધા બાદ ઈયળો કોશેટામાં પરિવર્તે છે. એક અઠવાડિયા બાદ તેમાંથી માખીઓ નીકળે છે. આમ ૩ અઠવાડિયા જેટલા સમયમાં આ મધમાખીનું જીવનચક્ર પૂર્ણ થાય છે. રાણી માખીનું કદ સૌથી મોટું હોય છે, જ્યારે કામદાર માખીઓનું કદ સૌથી નાનું હોય છે જે રતાશ પડતાં બદામી રંગની હોય છે.
ઉપયોગિતાઃ
કામદાર માખીઓ ફૂલોનો રસ અને પરાગ એકત્રિત કરવા માટે વિવિધ પ્રકારના ફૂલોની મુલાકાત લે છે. આ વર્તણૂક તેને મૂલ્યવાન પરાગનયનકર્તા બનાવે છે. તે આંબા, કાજુ, નાળિયેરી, પપૈયાં, જામફળ, કેળાં, દાડમ, લીંબુ, દ્રાક્ષ, ચીકુ, ભીંડા, રીંગણ, ટામેટાં, મરચાં, કાકડી, ચોળી, તુવેર, સરગવો, ડુંગળી, ધાણા, ચણા, મેથી, વરિયાળી, રાઈ, આમળા, સૂરજમુખી, દૂધી, તરબૂચ, સક્કરટેટી, મગ વગેરે પાકોમાં પરાગનયન કરે છે. તે ઓછી માત્રામાં મધનું ઉત્પાદન કરે છે, પરંતુ તેનું વાસ્તવિક મૂલ્ય પરાગનયનકર્તા તરીકેની ભૂમિકામાં રહેલું છે.
સંરક્ષણઃ
મધમાખીની અન્ય પ્રજાતિઓની જેમ, ડાળી માખીને પણ જંતુનાશકોના ઉપયોગ અને આબોહવા પરિવર્તનના જાખમોનો સામનો કરવો પડે છે. તેમનો ખુલ્લો મધપૂડો પક્ષીઓ, કીડીઓ અને મનુષ્યો જેવા શિકારીઓથી સંવેદનશીલ હોય છે, જે મધની શોધમાં મધમાખીઓને ખલેલ પહોંચાડી શકે છે અથવા તેનો નાશ કરી શકે છે. ડાળી માખીના સંરક્ષણ માટેના પ્રયત્નો તેમના કુદરતી નિવાસસ્થાનોને સુરક્ષિત કરવા અને જંતુનાશકોના ઉપયોગને ઘટાડતી ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પાકોમાં ફૂલ અવસ્થા દરમિયાન જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો એ પણ એક માવજત છે કે જેનાથી ડાળી માખીનો નાશ અટકાવી શકાય.