સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમે રાજાધિરાજ રણછોડરાયજીના દર્શને આવતા ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ માર્ચના રોજ ફાગણી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે બે વાગે મંદિરના દ્વાર બંધ થઈ જશે, જે બાદ ભક્તો દર્શન કરી શકશે નહી. બીજે દિવસે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વારા ખુલશે.
પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી અને મંદિરમાં પાળવાનું હોઈ ટેમ્પલ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ફાગણી પૂનમનો ભારે મહિમા હોઈ ડાકોર ખાતે ત્રિદિવસીય મેળો યોજાય છે. પદયાત્રીઓનો વિશાળ મહેરામણ ભગવાન રણછોડરાયજીના દર્શન માટે ઉમટે છે. ફાગણી પૂનમના મેળાના આયોજનને લઈ ડાકોર ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. તંત્ર દ્વારા ત્રિદિવસિય મેળાના સુચારૂ આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
યાત્રાધામ ડાકોર ખાતે આગામી ૧ થી ૩ માર્ચ દરમ્યાન ફાગણી પૂનમનો મેળો યોજાનાર છે. ફાગણી પૂનમના મેળાને લઈ લાખો ભાવિકો ડાકોર ઉમટવાના છે. જેને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મેળો યોજાય તેમજ વ્યવસ્થા જળવાય તે માટે ડાકોર ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. જીલ્લા વહીવટી તંત્ર,પોલીસ તંત્ર, મંદિર પ્રશાસન તેમજ નગરપાલિકા અને એસટી વિભાગ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ માં આ બેઠક યોજાઈ હતી. તંત્ર દ્વારા ત્રિદિવસિય મેળાના સુચારૂ આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ડાકોર ટેમ્પલ કમિટીના જણાવ્યા અનુસાર, રણછોડરાયજી મંદિરમાં ૩ માર્ચના રોજ ફાગણ સુદ પૂનમ દોલોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જે દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં પાળવાનું હોઈ ટેમ્પલ કમિટી દ્વારા બપોરે બે વાગે મંદિરના દ્વારા બંધ કરવાનો અને દર્શનાર્થીઓ માટે મંદિર પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ બીજે દિવસે સવારે નિત્યક્રમ અનુસાર મંદિર ખુલશે.
ડાકોર ખાતે ફાગણી પુનમ મોટી પુનમ ગણાય છે જેનું ભાવિકો માટે વિશેષ મહત્વ રહેલું છે. ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે. જેને લઈ ફાગણી પુનમે હોળીના દિવસે વિશાળ સંખ્યામાં ભાવિકો રાજાધિરાજ રણછોડરાયજી મહારાજના દર્શન માટે ડાકોર ઉમટે છે. ઉલ્લાસપુર્ણ ભકિતમય વાતાવરણમાં ભગવાનના દર્શન કરી ભગવાન સાથે હોળી રમીને ભાવિકો ધન્યતા અનુભવે છે.








































