ખાંભાના નાની ધારી ગામે ડમ્પર પકડાવ્યાની શંકા રાખી પુરુષને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે ભરતભાઈ દેહાભાઈ વાળા (ઉ.વ.૫૦)એ રણજીતભાઈ ધીરૂભાઈ વાળા, ગૌતમભાઈ ધીરૂભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, રણજીતભાઈનું ડમ્પર પકડાઇ ગયું હતું. જે વાતની શંકા વહેમ રાખી આરોપીએ મોટરસાયકલ લઇ તેમના ઘરે આવી ગાળો આપી હતી. તેમજ મોટરસાયકલ તેમની સાથે અથડાવી જતા રહ્યા હતા. થોડીવાર બાદ બંને આરોપી ફોરવ્હીલ લઇ આવ્યા હતા. રણજીતભાઈ વાળાએ હાથમાં તલવાર અને ગૌતમભાઈ વાળાએ હાથમાં ભાલુ લઇ આવી ‘જો લોઠકા હોય તો આવી જાવ ખબર પડે’ તેમ કહી તેમને મારવા દોડ્યા હતા. જેથી તેમના દીકરા નિલેશભાઇ અને ભત્રીજા રણજીતભાઇ તેમને બચાવવા આડા પડતા તેમને પણ માર માર્યો હતો. ગૌતમભાઈ વાળાએ હાથમાં રહેલું ભાલુ મારતા સાહેદ રણજીતભાઇની છાતીની ડાબી બાજુએ તથા પેટમાં ડાબા પડખે ચરકા થઇ ગયા હતા. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી બંને આરોપી ફોરવ્હીલ ગાડી સ્થળ ઉપર મૂકી ભાગી ગયા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.










































