લાલિયો કૂકડો રોજ સવારે વહેલો ઉઠીને “કૂક-ડે-કૂ! કૂક-ડે-કૂ!” કરતો અને બધાને જગાડતો. લાલિયાનું કૂક-ડે-કૂ એટલે બધાને જાગવા માટેનું અલાર્મ! એક સવારે લાલિયો જ્યારે એના ઘરમાંથી બહાર આવ્યો, ત્યારે એને નવાઈ લાગી! એણે જોયું કે જમીન પર ઝાકળનાં બિંદુઓ જાણે કે નાનાં મોતીની જેમ ચમકતાં હતા. સૂરજદાદા પણ હજુ બરાબર જાગ્યા નહોતા! હજુ લાલિયો કાંઈ વિચારે એટલામાં ઠંડો-ઠંડો પવન ફૂંકાયો. ‘અરે! અરે! આ શું થઈ રહ્યું છે? આજે આટલી ઠંડક કેમ છે?’ લાલિયો ધ્રૂજવા લાગ્યો અને વિચારવા લાગ્યો.
અચાનક એક નાનકડો ગોળમટોળ દેડકો તેની બાજુમાંથી કૂદ્યો. તેનું નામ હતું ટીકુ. ઠંડા પવનમાં ટીકુ પણ ઠૂંઠવાતો હતો. તે ઝડપથી માટીમાં ખૂંપી સંતાવા લાગ્યો, જેથી આ કડકડતી ઠંડીથી બચી શકાય.
લાલિયાએ ટીકુને પૂછ્યું, “ટીકુ, ટીકુ! ઊભો રહે! આજે આ શું થઈ રહ્યું છે? આજે આટલી ઠંડક કેમ છે?”
ટીકુએ ધ્રૂજતાં ધ્રૂજતાં કહ્યું, “લાલિયા, તું ભલે બધાંયને જગાડે છે, પણ તું હજુય ઊંઘમાં હોય એમ લાગે છે! કશુંય થયું નથી, પણ ઠંડક આવી છે ઠંડક! એટલે હવે આમ જ ઝાકળબિંદુ ચમકશે! સૂરજદાદા વહેલા ઊંઘશે ને મોડા જાગશે! પવનમામા જોરથી ફૂંકાશે. ઠંડો વાયરો વાશે! આપણે હવે સંભાળીને રહેવું પડશે! કારણ કે, હવે ઠંડી આવી, ઠંડી આવી!
બંને મિત્રોએ એકસાથે આકાશ તરફ જોયું. ત્યાં જ ઉપર આકાશમાંથી એક રૂના ગોળા જેવું સફેદ વાદળું નીચે આવ્યું અને બોલ્યુંઃ
“હું છું ઠંડીની રાણી,
લઈ આવું હું ઝાકળ પાણી!”
લાલિયો અને ટીકુ પહેલાં તો ડરી ગયા, પણ પછી તેમને થયું કે આ ઠંડી તો બહુ મજેદાર વાતો કરે છે!
લાલિયો ઝડપથી દોડ્યો અને પોતાના ઘરમાં જઈને પોતાના બધા પીંછાં ફૂલાવી દીધા. પીંછાંનો ગોળો બનીને તે હૂંફ મેળવવા લાગ્યો. ટીકુએ જમીનમાં થોડી વધારે ઊંડી બખોલ બનાવી લીધી અને તે શાંતિથી અંદર બેસી ગયો.
લાલિયાએ જોરથી “કૂક-ડે-કૂ!” નો અવાજ કર્યો અને બધાં પશુ-પંખીઓને સંદેશો આપ્યો ઃ ‘ઠંડી આવી ગઈ છે, મજા કરો! મજા કરો!’
MO. ૯૦૯૯૧૭૨૧૭૭











































