ભારતીય રેલ્વેએ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. રેલ્વેએ તમામ પેસેન્જર કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપતા, ભારતીય રેલ્વેના તમામ ૭૪,૦૦૦ કોચ અને ૧૫,૦૦૦ એન્જીનમાં સીસીટીવી કેમેરા લગાવવા સૂચના આપવામાં આવી છે.
રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ ઉત્તરી રેલ્વેમાં ટ્રાયલ ધોરણે સ્થાપિત સીસીટીવી કેમેરાના ફાયદાઓની સમીક્ષા કર્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, મુસાફરોની ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે, સામાન્ય ટ્રાફિકવાળા વિસ્તારોમાં, મુખ્યત્વે દરવાજા પાસે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
ટ્રેનમાં કેમેરા પેસેન્જર કોચઃ દરેક રેલ્વે કોચમાં કુલ ચાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેમાંથી દરેક પ્રવેશદ્વાર પર બે કેમેરા હશે.
રેલ્વે એન્જીનઃ દરેક એન્જીનમાં છ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આમાં એન્જીનના આગળ, પાછળ અને બંને બાજુ એક-એક કેમેરાનો સમાવેશ થશે.હવે પેસેન્જર ટ્રેનો પર નજર રાખવામાં આવશે
તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક છે. ભારતીય રેલ્વે દરરોજ સરેરાશ ૧૩,૦૦૦ થી વધુ પેસેન્જર ટ્રેનોનું સંચાલન કરે છે, જેમાં મેલ/એક્સપ્રેસ, પેસેન્જર અને ઉપનગરીય ટ્રેનોનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લગભગ ૨.૪ કરોડ મુસાફરો મુસાફરી કરે છે.
સીસીટીવી કેમેરા ચોરી, છેડતી, ઉત્પીડન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરે છે. તબીબી કટોકટી, આગ અથવા કોઈપણ અકસ્માત જેવી કટોકટીની સ્થિતિમાં, સીસીટીવી ફૂટેજ ઘટનાની પરિસ્થિતિને સમજવામાં મદદ કરી શકે છે અને અધિકારીઓને ઝડપથી અને અસરકારક રીતે પ્રતિભાવ આપવામાં મદદ કરી શકે છે.