રાજ્યના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય જનક તળાવીયાએ કૃષીમંત્રી જીતુભાઈ વાઘાણીને સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે કરવામાં આવતી મગફળી તથા કપાસની ખરીદીની સમયમર્યાદામાં વધારો કરવા અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું હતું કે હાલ નક્કી કરાયેલી સમયમર્યાદા દરમિયાન અનેક ખેડૂતો અનિયમિત વરસાદ, પાકમાં ભેજ, ખરીદી કેન્દ્રોમાં ભીડ, સુવિધાઓના અભાવ, વાહન વ્યવહાર તથા ઓનલાઈન નોંધણી જેવી સમસ્યાઓને કારણે સમયસર પોતાની ઉપજ વેચી શક્યા નથી. મગફળી અને કપાસ રાજ્યના મુખ્ય પાકો હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતોની આવક આ પર આધારિત છે. સમયમર્યાદામાં વધારો નહીં થાય તો ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછા ભાવે પાક વેચવો પડશે અને આર્થિક નુકસાન વેઠવું પડશે.




































