એક સુંદર ખેતર. આ ખેતરમાં એક મોટું ઝાડ. આ ઝાડની બાજુમાં જગ્ગુ ઉંદર રહે. આમ તો એ હતો નાનો, પણ હતો હોંશિયાર! એ ભલે નાનો હતો, પણ તેના વિચારો મોટા હતા. પણ ખોરાક શોધવા ગંધ સૂંઘવી કે અહીં-તહીં દોડવું તેને જરાય ગમતું નહોતું.
એ મનોમન વિચારતો, ‘અરે યાર! આમ ક્યાં સુધી હું આ ઘેરથી પેલા ઘેર, આ ખેતરથી પેલા ખેતર દોડતો અને ભાગતો રહીશ. અને એમાંય લોકો અમને ભગાડવા અવનવી યુક્તિઓ અજમાવે છે. જેમાં કેટલાય મારા ભાઈભાંડું સપડાયા છે. કેટલાકે તો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. પણ હવે જમાનો બદલાયો છે. આજના આધુનિક યુગમાં, ખોરાક શોધવા માટે કોઈ આધુનિક રીત હોવી જ જોઈએ!’
જગ્ગુ આવી કોઈ તરકીબની શોધમાં જ હતો. એવામાં એક વખત તેણે એક બાળકને રમકડાનું ડ્રોન આકાશમાં ઊડાડતાં જોયો. તેણે તરત વિચાર્યું, ‘મારી પાસે જો આવું ડ્રોન હોય તો ખોરાક શોધવામાં જરાય મુશ્કેલી ન પડે.’ એણે ડ્રોન લાવવા મન બનાવી લીધું. એણે ઓનલાઈન સર્ચ કરી જરૂરી માહિતી પણ મેળવી લીધી. બધું બરાબર જાણી એણે એક અત્યાધુનિક ‘વાયરલેસ કૅમેરો’ હોય તેવું ડ્રોન લીધું.
જગ્ગુએ એના મિત્રોને બોલાવ્યા. અને બધા ઉંદરોને આ ટૅકનોલોજી વિશે વાત કરી. આખોય ઉંદર સમાજ જગ્ગુની આ વાત સાંભળી રાજીરાજી થઈ ગયો. જગ્ગુએ ડ્રોન ઊડાડ્યું અને તેના ‘સ્માર્ટફોન’માં ડ્રોન કૅમેરાના લાઇવ વીડિયો જોવાનું શરૂ કર્યું.
બધું કેટલું સ્પષ્ટ દેખાતું હતું! જગ્ગુ અને તેના મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. ડ્રોન ખેતરની ઉપર ઊડવા લાગ્યું. તેણે સ્માર્ટફોનમાં ઝૂમ કરીને જોયું. તેણે જોયું કે ઉત્તર દિશામાં ખેતરમાં અનાજના ઢગલા પડ્યા છે, પણ ત્યાં જવાનો રસ્તો ખૂબ જોખમી છે.
તેણે પૂર્વ દિશામાં જોયું, તો ત્યાં તાજાં ફળો હતાં. પણ તેને તો અનાજ જોઈતું હતું. આખરે ડ્રોન પશ્ચિમ દિશા તરફ ગયું. અચાનક જગ્ગુની આંખો ચમકી ઊઠી! તેણે જોયું કે ખેતરના એક ખૂણામાં ઘાસની પાછળ મોટા કોથળામાં ઘઉં ભરેલા પડ્યા છે. “હાશ! મળી ગયો આપણો ભંડાર!” – જગ્ગુ આનંદથી નાચી ઊઠ્યો.
જગ્ગુએ તરત સ્માર્ટફોન પર લોકેશન જોઈ લીધું. તેણે ખેતરનો નકશો ખોલ્યો અને તે ઘઉંના ઢગલા સુધી પહોંચવા માટે સૌથી સલામત અને ટૂંકો રસ્તો શોધવા માટે ‘ય્ઁજી’નો ઉપયોગ કર્યો. ‘ય્ઁજી’ વડે તેને એક ગુપ્ત માર્ગ મળી ગયો. એક નાનકડી પાઇપલાઈન જે ઘઉંના ઢગલાની બરાબર નજીક જતી હતી. જગ્ગુ અને તેના મિત્રોએ તરત જ તે પાઇપલાઇન દ્વારા મુસાફરી શરૂ કરી અને જોતજોતામાં તેઓ ઘઉંના ઢગલા પાસે પહોંચી ગયા. ટૅકનોલોજીની મદદથી જગ્ગુ અને એની ટીમ સરળતાથી અનાજના ભંડાર સુધી પહોંચી ગઈ.
જગ્ગુ અને એના મિત્રોએ પેટ ભરીને અનાજ ખાધું ને મોજ કરી!
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭








































