મધ એ કુદરતનું અત્યંત પૌષ્ટિક, ઔષધિય અને સર્વગુણ સંપન્ન પ્રોડક્ટ છે. મધમાખીઓ ફૂલોના રસમાંથી રસ લાવીને મધ તૈયાર કરે છે. જેમાં પ્રાકૃતિક શુગર, એન્ઝાઈમ, મિનરલ્સ, વિટામીન, એન્ટી-ઓકિસડન્ટથી ભરપુર ઔષધિય ગુણો હોય છે. વન વગડામાં તેમજ ખેતીના પાકો ઉપરાંત કયારેક કયારેક નળીયાવાળા ઘરોની અંદર મધના પુડા જાયા હશે. મોટાભાગે દેવીપૂજક સમાજના લોકો વન-વગડાની વાડોમાંથી મધ ઉજેરી અને વેચાણ કરતા હતા. આજે મધ(હની) એ વ્યવસાય બની ગયો છે. દેશના પ્રધાનમંત્રીએ શ્વેત ક્રાંતિથી સ્વીટ ક્રાંતિની વાત કરી અને ખેડૂતો તેમજ અન્ય વ્યવસાયકારોને આ વ્યવસાયમાં આવીને પુરક આવકની વાત કરી ત્યારે હોશિયાર વ્યકિતઓએ વાત ઝીલી લીધી અને ટન મોઢે મધ ઉત્પાદન કરતા થયા છે.
અમરેલી શહેરનો એક જુવાનીયો સચિન ચંપકલાલ રાવલ જેની ઉંમર માત્ર ૩ર વર્ષ છે, જેનો અભ્યાસ બી.ઈ. આઈટી સુધીનો છે. માણસને જાણવાની ઈચ્છાઓ અને બધાથી કંઈક નવુ કરવાની ભાવનાઓ જ સફળતાઓ અપાવે છે. સ્વમાનના ભોગે કશું જ નહિ મધપાલન વ્યવસાયની માહિતી સચિને મેળવી, ઘર પરિવાર, મિત્રો સાથે ચર્ચાઓ કરી.
બધાના અલગ અલગ અભિપ્રાયોઃ આપણી પાસે જમીન નથી, મધ પેઢી કયા રાખીશ, ખેડુતો પેસ્ટી સાઈઝ બહુ છોડે છે, મધમાખી મરી જશે. આ બધા જ અભિપ્રાયો વચ્ચે સચિને હિંમત હાર્યા વિના આગળ વધવાના પ્રયત્ન કર્યા. મુળ સચિનને સંગીત અને મ્યુઝીકનો શોખ હતો. કોરોના જેવા કપરા સમયમાં લોક ડાઉનમાં બધા નવરા બેઠા હતા ત્યારે કંઈક નવુ કરવાની જે ખેવના હતી એ ર૦ર૧મા બહાર આવી અને શરૂ કર્યો મધપાલન વ્યવસાય. સચિન કહે છે કે મધ વિશે જેટલી માહિતી મેળવીએ એટલી ઓછી છે. મધના એક બોકસમાં પ૦થી ૬૦ હજાર જેટલી માખીઓ હોય છે. સચિન પાસે ઈટાલીયન – બી- પ્શી મેલીફેશ નામની મધમાખીઓની ૯પ૦ જેટલી પેઢીઓ છે. મધપેટીઓ ખરીદવા અને મધને શુધ્ધ કરવા મશીનરી વસાવવા માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ મારફતે સહાય પણ મળવાપાત્ર છે તેમ સચિનભાઈએ જણાવ્યુ છે.
સારૂ મધ ઉત્પાદન નવેમ્બરથી મે મહિના દરમ્યાન મળે છે. જેમા શિયાળા દરમ્યાન વિવિધ પાકો જેવા કે વરીયાળી, અજમા, ધાણા, સરસવ, જીરૂ, ઉનાળામાં તલ સહિતના વિવિધ ફુલપાકો, ફળપાકો, ઔષધિય બાવળ, લીંમડાના ફુલોમાંથી રસ લાવીને મધમાખીઓ મધ પેદા કરે છે. મધમાખીના બોકસ એટલે કે પુડા ઉપર રાણી માખીનું સામ્રાજય હોય છે, ઓછા પ્રમાણમાં નર માખી હોય છે. જયારે બાકીની વર્કર માખીઓ હોય છ જે ફુલોમાંથી રસ લાવવાનુ કામ કરે છે.
આજે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને જાગૃત ખેડુતો પોતાના પાકમા મધ પેટીઓ મુકે તો પરાગરજના કારણે દવા વગર પણ૧૦ ટકા સુધી વધુ અને સારૂ ઉત્પાદન મળે છે.
મધનો ઉપયોગ હંમેશા રહેવાનો છે. દવા તરીકે, ખોરાકમાં, બ્યુટીકેર, હેલ્થ ટોનિક અને હવે મીઠાઈઓ થાય છે. મધના વિવિધ પ્રકારોની વાત કરવામાં આવે તો રોહની, ફેરિસ્ટ હની , મછી ફલોરા હની, યુક્તિ પ્લસ હની, અજમા, નિમ, તુલસી હની જેના ઔષિધય ગુણો અલગ અલગ હોય છે. વાર્ષિક ૧૩થી ૧૭ ટન મધનુ વેચાણ કરે છે. આગામી સમયમાં સચિનભાઈ બી. વેકસની વિવિધ પ્રોડકસ બનાવશે. વડીલોની કહવત છે. મન હોય તો માળવે જવાય, સચિનભાઈનો સંપર્ક નં. ૮૪૯૦૯ ૭૯૩૧૪
: તિખારો:
દરેક માણસે પોતાના જીવનમાં સફળ થવું હશે તો તેના વિચાર બદલાવા પડશે, સમય ક્યારેય ખરાબ હોતો નથી. ખોટા રસ્તાઓ અને ખોટા પ્રયત્નો નિષ્ફળતા અપાવે છે. દરેક માણસ પોતાની સફળતાનો માલિક છે. સાચી દિશા, યોગ્ય માર્ગદર્શન અને પ્રયત્નો સફળતાની કેડી છે.










































