પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મૂકેલી નવીન અને સુવ્ય વ્યવસ્થીત પહેલોના પરિણામે રાજ્યમાં ક્ષયરોગ સામે નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ ૨૦૧૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૩માં નવા ટીબી દર્દીઓના નોંધણી દરમાં ૩૪ ટકા અને ટીબીથી થતા મૃત્યુદરમાં ૩૭ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે, જે ગુજરાતના આરોગ્ય મોડલની અસરકારકતા દર્શાવે છે.લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યમાં ચાલી રહેલા ટીબી નિયંત્રણ કાર્યક્રમોની વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, રાજભવનના અગ્ર સચિવ અશોક શર્મા, આરોગ્ય નિયામક ડા. રતનકંવર ગઢવી ચારણ સહિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યપાલે સ્પષ્ટ કહ્યું કે ટીબી સામેની લડતને જનઆંદોલન બનાવવું અનિવાર્ય છે. સમાજના દરેક વર્ગની જાગૃતિ અને સક્રિય ભાગીદારી વિના આ અભિયાન સંપૂર્ણ સફળ થઈ શકે નહીં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દરેક ટીબી દર્દી સુધી સમયસર યોગ્ય સારવાર અને પૂરતું પોષણ પહોંચે તે માટે સતત પ્રયત્નો જરૂરી છે. આ રીતે ગુજરાત ટૂંક સમયમાં ટીબી મુક્ત રાજ્ય બનીને સમગ્ર દેશ માટે એક પ્રેરણારૂપ મોડલ રજૂ કરી શકે છે.
વર્ષવાર આંકડા દર્શાવે છે સ્પષ્ટ સુધારો
વર્ષ નોંધાયેલા ટીબી દર્દી સંપૂર્ણ સ્વસ્થ દર્દી ટીબીથી
મૃત્યુ
૨૦૨૨ ૧,૪૯,૮૫૬ ૧,૨૪,૯૯૨ ૬,૬૦૬
૨૦૨૩ ૧,૪૨,૨૯૪ ૧,૩૨,૮૦૯ ૫,૮૭૪
૨૦૨૪ ૧,૩૭,૮૯૬ ૧,૨૪,૯૩૮ ૫,૬૩૮
૨૦૨૫ (જાન્યુઆરી–આૅક્ટોબર) ૧,૧૨,૯૮૧ — ૩,૫૧૬
આ આંકડા દર્શાવે છે કે ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં ટીબી મૃત્યુદરમાં સ્પષ્ટ ઘટાડો થયો છે.ટીબીથી થતા મૃત્યુ વધુ ઘટાડવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેડિકલ કોલેજાના ટીબી નિષ્ણાતો અને રાજ્ય ટીબી ટીમના સહયોગથી વ્યાપક સારવાર અને ફોલોઅપ પ્રોટોકોલ તૈયાર કર્યો છે.રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. નિક્ષય પોષણ યોજના હેઠળ દરેક દર્દીને દર મહિને ૧,૦૦૦ ડીબીટી દ્વારા આપવામાં આવે છે.એનજીઓ,સીએસઆર અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં નિક્ષય મિત્ર મોડલ સફળતાપૂર્વક અમલમાં છે. રાજ્યમાં ૨૯,૭૩૪ નિક્ષય મિત્ર નોંધાયેલા છે. ૨૦૨૩માં ૧,૬૧૦ અને ૨૦૨૪માં ૩,૧૨૮ ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે. ૨૦૨૫માં ટેલી-કોલિંગ સિસ્ટમ દ્વારા ૧,૧૯,૨૫૯ કોલ કરી દર્દીઓની સ્થિતિ જાણી અને ૯,૫૨૩ જરૂરિયાતમંદ દર્દીઓને જિલ્લા સ્તરે જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી છે.








































