જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં મગફળી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદ સામે આવી છે. સરકાર દ્વારા સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતોનું રજીસ્ટ્રેશન ગ્રામ પંચાયતના વી.સી.ઇ દ્વારા મફતમાં કરવામાં આવશે. છતાં હકીકતમાં વી.સી.ઇ દ્વારા ખેડૂતો પાસેથી ફરજિયાત ૮૦ થી ૧૦૦ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. આથી ગરીબ અને અભણ ખેડૂતો આર્થિક શોષણના ભોગ બની રહ્યા છે.
સ્થાનિક સ્તરે એવા પણ આક્ષેપ છે કે ગામનો વી.સી.ઇ ફરજ પર નિયમિત હાજરી આપતો નથી અને પોતાના સ્થાને ઓળખાણવાળા અથવા સગાવાદી વ્યક્તિને કામે મોકલે છે. અરજદારો સાથે મનમાની, ખોટા પ્રશ્નો કરી હેરાનગતી કરવી, તેમજ નાનામાં નાના કામ માટે પણ રૂપિયા વસૂલવાની ગેરરીતિઓના કિસ્સાઓ સામે આવ્યા છે. આ પરિસ્થિતિએ ગામમાં ભ્રષ્ટાચારનો માહોલ સર્જ્યો છે. આ અંગે જાગૃત ખેડૂત ઘનશ્યામભાઈ ભાલાળાએ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં ખેડૂતો પાસેથી લેવાયેલા ગેરકાયદે રૂપિયા તરત જ પરત અપાવવા અને ભ્રષ્ટાચાર માટે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. ખેડૂતોની ન્યાયસંગત માંગ પર તંત્ર કઈ કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.






































