જીવનનું સૌથી મોટુ યુદ્ધમેદાન કુરુક્ષેત્ર નથી, એ તો આપણા મનમાં જ છે. કેમ કે કુરૂક્ષેત્રની લડાઈ અમુક દિવસોમાં પૂરી થઈ ગઈ હતી પરંતુ એનું પરિણામ ઇતિહાસ બદલનારૂ હતું. જ્યારે આપણા જીવનમાં તો સતત કૈંક ને કૈંક ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ, નિર્ણયો, મંતવ્યો, કૈંક નવી શરૂઆત, પ્રારંભ કે અંત, જૂના સંબંધો જાળવી રાખવા, નવા સંબંધો બાંધવા, કોની સાથે ઉઠવું, બેસવું કે રહેવું, પક્ષાપક્ષીની રમતમાં નિષ્પક્ષ રહેવું વગેરે જેવા અનેક પડકારો ડગલે ને પગલે આવે છે ત્યારે મનમાં સતત ગડમથલ ચાલતી હોય છે. આપણે દરરોજ કોઈ ને કોઈ રૂપે સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ, અહંકાર-વિનમ્રતા, આશા-નિરાશા વચ્ચેનું યુદ્ધ લડતા હોઈએ છીએ. આ જ છે મનનું મહાભારત — જ્યાં એક બાજુ “મન” બોલે છે અને બીજી બાજુ “આત્મા” નો અવાજ પોકારતો હોય છે. મનનું કહ્યું માનવું કે હૃદયના રસ્તે ચાલવું? આ બહુ મોટી ગડમથલ હોય છે. જગતને સમજાવવા માટે જ્યારે અંદરનો અર્જુન મૂંઝાય છે, ત્યારે એને માર્ગ બતાવવા માટે પોતાના કૃષ્ણની જરૂર પડે છે. પણ દુઃખની વાત એ છે કે જીવનની લડાઈ વખતે આપણે કૃષ્ણને નહીં, પણ એની કૃપાને માગીએ છીએ. મહાભારતના યુધ્ધ પહેલા અર્જુન અને દુર્યોધન બન્ને કૃષ્ણ પાસે એક સાથે પહોંચે છે. સંબંધોની રૂએ કૃષ્ણ બન્ને માટે સરખા હતા. અર્જુન કૃષ્ણના પગ પાસે બેસે છે અને એ પહેલા દુર્યોધન આવીને કૃષ્ણના મસ્તક પાસે બેસી ગયા હતા. ત્યારે કૃષ્ણ એવો ન્યાય તોળે છે કે તેમણે પહેલા અર્જુનને જોયો એટલે વચન માગવાનો પહેલો હક અર્જુનને મળે ત્યારે અર્જુન પાસે બેય ઓપ્શન હતા. કાં તો કૃષ્ણની કૃપા એટલે આખી સેના અને કાં તો ખુદ કૃષ્ણને માગી શકે. દુર્યોધન થોડીવાર સમસમી જાય છે પણ જ્યારે અર્જુને યાદવોની આખી સેનાને બદલે માત્ર એકલા શ્રીકૃષ્ણને પસંદ કર્યા. દુર્યોધન મનમાં મલકાય છે કારણ કે પોતાને જે જોઈતું હતું તે મળી ગયું હતું. અહી અર્જુનનો નિર્ણય પાંડવોની જીતનો પાયો હતો.
આવું જ આપણા જીવનમાં આવતા સંકટ સમયે મનમાં મનમાં મંડાતા મહાભારતના સંગ્રામ વખતે થાય છે. આવા સમયે ઈશ્વરના શરણે તો સૌ જાય છે પણ મન અને હૃદયની સ્થિતિ દુર્યોધન અને અર્જુન જેવી હોય છે. કોઈ ધન માગે છે, કોઈ પ્રતિષ્ઠા, કોઈ માન-સન્માન, કોઈ સંબંધ — પણ બહુ ઓછા લોકો એવા હોય છે જે કહે, “હે કૃષ્ણ, મારે કશું નથી જોઈતું બસ તમે મારી સાથે રહેજો. મારા જીવનરૂપી રથના સારથી બનજો.” એટલે કે નિષ્કામ ભાવે માત્ર કર્મ કરવાના અને ફળની પ્રાપ્તિ કૃષ્ણાય અર્પણ. જેમ અર્જુન પાસે શક્તિ, શસ્ત્ર, જ્ઞાન, મિત્રતા અને સેના આ બધું હોવા છતાં એ અશાંત હતો. પણ જયારે એણે પોતાના રથના સારથી તરીકે કૃષ્ણને સ્વીકાર્યા, ત્યારે એણે માત્ર યુદ્ધ જ નહીં, પોતાનું જીવન પણ જીત્યું. કૃષ્ણે એને એક જ વાક્યમાં જીવનનો સાર આપ્યો “કર્મ કર, ફળની ચિંતા ન કર.” એ વાક્ય ફક્ત યુદ્ધ માટે નહોતું, એ તો આદિ અનાદી કાળ સુધી આ જગતના દરેક માનવીના મન માટે હતું. કારણ કે જયારે મનમાં મહાભારત ચાલે છે ત્યારે બહારના કોઈ પણ ઉપાય કામના રહેતા નથી. ત્યારે માત્ર એક જ શક્તિ મદદરૂપ થાય છે અને એ છે કૃષ્ણનો સાથ અને કૃષ્ણનું સ્મરણ. પછી જે કંઈ બને છે તેમાં આ અગમ અગોચર, અલબેલા અલખધણીની અલૌકિક શક્તિનો સાથ કામ કરે છે. જીવનના દરેક સંકટની વચ્ચે જયારે તમે તૂટી જાવ, જયારે મન હારી જવાની વાત કરે, જયારે કોઈ નિર્ણય સમજાતો ન હોય ત્યારે જગતની ચિંતા, આધી- વ્યાધિ અને ઉપાધિ છોડીને એમના શરણે શીશ ઝુકાવીને અહમ ઓગાળીને નિર્ગુણ, નિરાકારમાં એકરૂપ ઓતપ્રોત થઈને કશું માગ્યા વગર સ્મરણમાં એનો સાથ માગવો. જીત, સુખ, સંપત્તિ, સત્તા કે સન્માન નહિ ફક્ત એટલું જ કહેજો “હે કૃષ્ણ, તમે મારી સાથે રહેજો.”કારણ કે જયારે કૃષ્ણ સાથે હોય, ત્યારે રણમેદાન પણ તીર્થ બની જાય છે, અને હાર પણ એક નવી જીતની શરૂઆત બની જાય છે. “જીવનની દરેક લડાઈમાં જીતવું એ જરૂરી નથી,પણ કૃષ્ણનો સાથ રાખવો એ અનિવાર્ય છે. કારણ કે જ્યાં કૃષ્ણ હોય, ત્યાં માર્ગ પોતે બની જાય.” અર્જુન, દ્રૌપદી, મીરાબાઈ, નરસિંહ મહેતા, વિદુરજી, સુરદાસજી, રાજા અજમલ જેવા અનેક ભક્તોના જીવનમાં આપણને આ વાતનું પ્રમાણ જોવા મળે છે. જગતની ગમે તેવડી તાકાત સામે ઝઝુમવા, ટક્કર લેવા, લડવા કે ટકી રહેવા માટે અથાગ પરિશ્રમ સાથે ઈશનો સાથ જ અત્યંત અસરકારક ફળ આપનાર સાબિત થાય છે. સંઘર્ષમાં ચિંતાને બદલે ઈશ્વરનું ચિંતન કરીએ. પ્રાર્થના પંક્તિ: “હે પરમકૃષ્ણ! જયારે મનમાં મહાભારત ચાલે, ત્યારે મને બુદ્ધિ આપજો — યોગ્ય પક્ષ પસંદ કરવાની, અને શક્તિ આપજો — સત્યના માર્ગે અડગ રહેવાની.”











































