અમરેલીની પ્રતિભાશાળી દીકરી આર્ચી ભાવેશભાઈ ખેતાણીએ અભ્યાસ અને કળા એમ બંને ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરીને પોતાના પરિવાર, જૈન સમાજ અને સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યું હતું. નાનપણથી જ તેજસ્વી એવી આર્ચી માત્ર અભ્યાસમાં જ નહીં, પરંતુ કથક નૃત્ય, વક્તૃત્વ અને લેખન જેવી અન્ય પ્રવૃત્તિઓમાં પણ નિપુણ છે. તેની આ બહુમુખી પ્રતિભા તેને અન્ય વિદ્યાર્થીઓથી અલગ પાડે છે. ખાસ ઉલ્લેખનીય છે કે આર્ચીએ એક જ વર્ષમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા અને કથક વિશારદની પરીક્ષા આપી હતી. ધોરણ ૧૨માં ઉત્તમ પરિણામની સાથે સાથે, તેણે કથક વિશારદની પરીક્ષામાં તો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આર્ચીની આ સફળતા પાછળ તેના માતા-પિતા, મનીષાબેન અને ભાવેશભાઈ ખેતાણીનું માર્ગદર્શન અને પ્રોત્સાહન મુખ્ય રહ્યું છે.