મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમય અનુરૂપ ટેક્નોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડીશન, ફાર્મ મિકેનિઝમ, નેચરલ ફા‹મગ વગેરેના સંકલીત પ્રયાસો સાથે એકિકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આ અભિયાન મહત્વપૂર્ણ બનવાનું છે.
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પીસીએઆર અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તા. ૨૯મી મે થી ૧૨ જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યિનિવર્સિટીથી કરાવ્યો હતો. ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત ૨૩૫ તાલુકાઓના ૨૯૫૧ ક્લસ્ટર થકી ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન દરમિયાન રાજ્યના ૩૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ૪ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે.
આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૯ જિલ્લાઓના ૭૯૩ ગામોના અંદાજે ૧ લાખ ૨ હજારથી વધુ ખેડૂતો, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ૭ જિલ્લાના ૪૬૫ ગામોના ૮૦ હજાર ખેડૂતો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના ૧૦ જિલ્લાના ૯૩૩ ગામોના ૧.૨૦ લાખ ખેડૂતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના ૭ જિલ્લામાં ૭૬૦ ગામોના ૭૧ હજારથી વધુ ખેડૂતો એમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાન રાજ્યના ખેડૂતો માટે ઘરેબેઠા ગંગાનો અવસર ગણાવતા ઉમેર્યુ કે, કૃષિ ક્ષેત્રે નવિન શોધ-સંશોધનની માંગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગથી નેનો યુરીયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કેવી રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે પૂરું પાડ્યું છે.જા ખેડૂતનું અને કૃષિ ક્ષેત્રનું તથા ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છાશક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય તે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય, વેલ્યૂ એડિશન કરીને કેવી રીતે વધુ કિંમત મળે, એ બધી સમજ સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ તેમણે કૃષિ મહોત્સવથી અપનાવ્યો હતો એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, સોઇલ હેલ્થકાર્ડ, લેબ ટુ લેન્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિથી ગુજરાતને મળ્યા છે આ બધાના પરિણામે ૨૦૦૧થી ૨૦૧૪ સુધીના સમયગાળા દરમિયાન જ્યારે સમગ્ર ભારતનો કૃષિ વિકાસ દર માત્ર ૩ ટકા હતો, ત્યારે ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર ડબલ ડિજિટના દરે વૃદ્ધિ કરી રહ્યો હતો.
મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાનના નેતૃત્વ અને દેશની સેનાના જવાનોને અભિનંદન પાઠવતા કહ્યુ કે, જેમ દેશની સીમાઓની સુરક્ષા સતત ખડેપગે રહીને સૈન્ય કરે છે તેવી જ રીતે દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ ખેડૂતો કરે છે. વિકસિત ભારત ૨૦૪૭ માટે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં પણ ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.ઇન્ડીયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચના ડા. મનીષ દાસે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોના પડકારોને કેવી રીતે દૂર કરી શકાય તે માટે આઈ.સી.એ.આર ના પ્રયત્નોની વિસ્તૃત જાણકારી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિભાગ દ્વારા રાજ્યના ૧.૫ કરોડ જેટલા ખેડૂતોને પ્રધાનમંત્રીના લેબ ટુ લેન્ડના વિઝનને સાકાર કરવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નવો આયામ પૂરું પાડશે. તેમણે આ અભિયાન થકી
ખેડૂતોને તેમની ખેતીમાં આવતા પડકારોના આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો દ્વારા સમાધાન લાવવા માટે પ્રયાસ કરાશે, તેમ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું.