(૧) જન્માક્ષર અને હસ્તાક્ષર વચ્ચે શું અંતર?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
ટેબલ અને કેબલ જેટલો.
(૨) એવી કઈ દાળ છે કે જે રોટલી સાથે ના ખાઈ શકાય?
જીગર આહીર (દાત્રાણા-પાટણ)
ધાણાદાળ.
(૩) જેન ઝી વિશે તમારું શું માનવું છે?
વર્ષાબેન પંપાણિયા (રાજુલા)
એ લોકો એક વૃધ્ધને ગાદી પરથી ઉતારી બીજા વૃધ્ધને બેસાડે છે એવું સાંભળ્યું છે!
(૪) લગનની સિઝનમાં સામીજાળ કેમ આવે છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા(નવા ઉજળા)
જેથી ગોરદાદા, કેટરર્સ અને મંડપ સર્વિસવાળા થોડો પોરો ખાઈ શકે.
(૫) આઇસ્ક્રીમના કોન અને મહેંદીના કોન વચ્ચે શું તફાવત?
જય દવે (ભાવનગર)
આઇસ્ક્રીમનો કોન હાથે પગે ન લગાવાય અને મહેંદીનો કોન ચુસાય નહી!
(૬) મનુષ્ય ન ઈચ્છતા હોવા છતાં પણ પાપ કેમ કરે છે ?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
હશે હવે. તમે સ્વીકારી લીધું એટલે તમારા ધોવાઈ ગયા!
(૭) ગરમીનો કોઈ ફાયદો ખરો?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
હા, ઠંડી ન લાગે.
(૮) વીસ વરસ પછીનું વિચારીને ધંધો કરવો હોય તો ક્યો કરાય?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
વિમાનનું ગેરેજ નાખો!
(૯) પ્રશ્ન સીધો મોકલવાનો હોય છે?
દર્શન પટેલ (વડોદરા)
હા, હું જવાબ આડો કરીને મોકલીશ.
(૧૦) માથાભારે વ્યક્તિ પોતાને દાદો કેમ સમજે છે?
યોગેશભાઈ આર. જોશી (હાલોલ જિ.પંચમહાલ)
એ નહી, આપણે એને દાદો સમજીએ છીએ.
(૧૧) દવા હંમેશાં કડવી જ કેમ હોય?
માધવી દેવમુરારી (માધુપુર)
સીરપ પીવાનું રાખો.
(૧૨) ઈન્સ્ટાગ્રામમાં ઝડપથી ફોલોવર્સ વધારવા શું કરવું જોઈએ? કનુભાઈ પરમાર (દામનગર)
ઘરમાં શાકભાજી સાથે ફ્‌લાવર ઉગાડો.
(૧૩) જે પસંદ હોય તેની ખામી નથી દેખાતી અને નાપસંદ હોય એની ખામી દેખાય. એવું કેમ?
કટારીયા આશા હિમ્મતભાઇ (કીડી)
વળી પાછી કોનામાં ખામી દેખાણી?!
(૧૪) તમને કંટાળો આવે છે?
કટારિયા અમિત હિંમતભાઇ (કીડી)
અત્યાર સુધી નહોતો આવતો. આ પ્રશ્ન વાંચ્યો એટલે શરૂ થયો.
(૧૫) તમે પણ હવે ટ્રમ્પની જેમ એકબીજા સાથે સમાધાન કરાવી દેવાનું કામ રાખો તો?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
તો પછી ઝઘડો કોણ કરાવશે?!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..