સોરઠ પંથકમાં વધુ એક યુવાન લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. જૂનાગઢના ચોકી ગામના એક યુવાન સાથે લગ્ન કરી, લાખો રૂપિયાની છેતરપિંડી આચરી મહારાષ્ટ્રીયન યુવતી ફરાર થઈ ગઈ છે. આટલું જ નહીં, જ્યારે ભોગ બનનાર યુવાને પૈસા પરત માંગ્યા ત્યારે તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવાને સુરતના ‘સપ્તપદી મેરેજ બ્યુરો’ નો સંપર્ક કર્યો હતો, જ્યાં વિજય ધકાન અને નીલેશ અગ્રવાલ નામના વ્ઓયક્એતિ તેની મુલાકાત સંગીતા નામની મહારાષ્ટ્રીયયન યુવતી સાથે કરાવી હતી. લગ્ન નક્કી થયા બાદ યુવાને આરોપીઓને ૧.૪૦ લાખ આપ્યા હતા. ત્યારબાદ વિધિવત લગ્ન થયા પછી થોડા સમયમાં જ યુવતીએ અન્ય એક લગ્નમાં જવાનું બહાનું કાઢ્યું હતું અને યુવાન પાસેથી બીજા ૭૦ હજાર પડાવ્યા હતા. આમ, કુલ ૨.૧૦ લાખ રોકડા લઈને આ કથિત દુલ્હન છૂમંતર થઈ ગઈ હતી.
જ્યારે પત્ની પરત ન આવી ત્યારે યુવાને તેને ફોન કર્યો હતો. પરંતુ સામેથી પત્ની હોવાનો દાવો કરનાર સંગીતાએ અસલી રૂપ બતાવ્યું હતું. તેણે યુવાનને ધમકી આપી હતી કે જા તે ફરી ફોન કરશે કે પૈસા માંગશે તો તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેશે.
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા ભોગ બનનાર યુવાને આખરે ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં કથિત લૂંટેરી દુલ્હન સંગીતા, મેરેજ બ્યુરો સંચાલક વિજય ધકાન અને નીલેશ અગ્રવાલ એમ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ હવે આ ટોળકીના અન્ય સભ્યો કોણ છે અને અગાઉ આવા કેટલા યુવાનો આ ગેંગનો ભોગ બન્યા છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.









































