જુનાગઢમાં ભાજપના કોર્પોરેટર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આરોપીઓ સામે પોલીસ પર હુમલો, સાયબર ફ્રોડ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલ છે.
ગુજરાત પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ટીમે ગુજસીટોક હેઠળ ગંભીર ગુનાઓના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર સામે આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓ સંડોવાયેલા હોઈ તેઓની સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
જુનાગઢના વોર્ડ નં. ૩ ના ભાજપ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, તેના ભાઈ અસલમ કુરેશી અને અન્ય ત્રણ લોકો સામે ગુજસીટોક હેઠળ ગંભીર ગુનાઓનાં કેસ નોંધાયેલ છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અબ્બાસ કુરેશી અને તેની ટિમ પર પોલીસ પર હુમલો, જુગારચાલુ ગેંગ ચલાવવાનો આરોપ, આર્મ્સ એક્ટ સાથે સંબંધિત ગુનાઓ તેમજ હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું જણાવ્યું છે. પોલીસે કરિમ સિડા અને સેબાઝ કુરેશી સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.









































