વાતાવરણ એકદમ હળવુંફૂલ થઈ ગયું. અનિતા પણ રાજી રાજી થઇ જતા બોલી: “બાપુજી… મને ખૂબ આનંદ થયો કે તમે ખૂદ આવ્યા… પણ… અમારી ભૂલ… માફ કરી દેશોને બાપુજી ? ”
“અરે વહુ બેટા, ભૂલ તમારી નહી પણ મારી જ હતી કે હું જ મારા વહુ – દીકરાને ઓળખી ન શક્યો. ચાલો, જાગ્યા ત્યાંથી સવાર! એમ માનીને હું બધુ જ ભૂલી જ ગયો ત્યારે અહીં આવ્યો હોઇશને ? તમેય બધુ ભૂલી જજા. અને હા, તમારો ભોટુકાકો વળી વળીને તમારા હાથના બહુ વખાણ કરતો હતો કે ચા તો બાકી આશુડાના વહુના હાથની જ..!” તો લ્યો આજ મારેય એવી જ ચા પીવી છે. ઝટ બનાવો તલપ તો બહુ લાગી છે હોં કે..!”
ચા-પાણી પીધા પછી અનિતા રસોડામાં જતી રહી અને વાતોના હોંકારા આપતી હતી કે પ્રભાશંકર ઊભા થઇને રસોડામાં ગયા અને મીઠાં ઠપકાભર્યા વેણે કહી રહ્યા ઃ “વહુ બેટા, તમે બહાર આવીને જ બેસોને બાપા ! હું તો જુઓ ઘડીક પૂરતો જ આવ્યો છું પછી તો ધામમાં નીકળી જવાનો છું – હરદ્વાર ધામમાં…. તો, ઘડીક વાતુંચીતુ કરો… એમાં કાંઇ મારાથી મોઢું સંતાડીને બેસવાનું નો હોય.. તમે વહુ નહીં પણ દીકરી છો અને કૂળની ગૃહલક્ષ્મી છો. ચાલો, પછી તો હું ય નીકળી જવાનો – મોટી જાત્રા કરવા… ઘડીક બેસો, તો બે-ચાર સારી નરસી વાતું થાય…! ”
—-
ચા તો એવી મોઢે લાગી કે કલાકમાં તો બીજી વારેય બનાવડાવી પણ ચાની ચૂસકી લેતા પ્રભાશંકરે દીકરાના ચહેરાના ભાવને તાક્યા કર્યો. ઘડીએ ઘડીએ વિચારોના ચકરાવામાં ઘેરાઇ જતા દીકરાના ચહેરા ઉપરની ચિંતા ઉકેલતા વાર ન લાગી.
ચાનો કપ પાછો આપતા એણે અનિતાની આંખોમાં આંખ પરોવીને વડીલની રૂએ પૂછયું: “વહુ બેટા, એક વાત પૂછું એનો જવાબ આપજા બાપા…! ”
“હા, બાપુજી પૂછોને…” અનિતાએ સસ્મિત વળતો જવાબ આપતા ઉમેરી કહ્યું: “તમારે થોડું એવું પૂછવાનું હોય બાપુજી, તમારો તો હક્ક કહેવાય.”
“ઠીક છે…” પ્રભાશંકરે આંખ ઝીણી કરીને પૂછયું: “ઘરમાં કાંઇ ટેન્શન છે ? ”
“આમ તો… કાંઇ ટેન્શન નથી.” અનિતાએ આશુતોષ સામે જોતાં જોતાં જવાબ વાળ્યો.
“તો પછી મને કેમ એમ લાગે છે, કે ઘરમાં કાંઇ ટેન્શન છે.. આશુતોષ કોઇ વાત મારાથી છૂપાવી રહ્યો હોય એમ લાગે છે…” તેમણે પગ ઉપર હાથ પછાડયો: “ના… ટેન્શન તો કાંઇક છે જ… ઇ તો પાક્કું” પછી અનિતાને ઉદ્દેશીને કહ્યું: “ મને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે, જુઠ્ઠુ નહીં બોલો… હવે તમે કહી દો કે વાત શું છે ? ”
અનિતા એક પળ સસરા સામે અને એક પળ પતિ સામે જાઇ રહી.
પ્રભાશંકરે પોતાના આગવા મિજાજથી કહ્યું: “તમે એની સામે જુઓ નહીં. એ શું કહેશે એની ચિંતા ના કરો. જે હોય એ ચોખ્ખે ચોખ્ખું કહી દો કે પ્રોબ્લેમ શું છે ?”
“બાપુજી…” હવે એક દીકરીની માફક અનિતા સસરા પ્રભાશંકર આગળ વાતની પોટલીની ગાંઠ છોડતી ગઇ ઃ
“બાપુજી… વાત જાણે એમ છે કે આપણે એકસો વાર જેટલો નાનકો એવો પ્લોટ લીધો છે. રણજીત ઝાલા કરીને બિલ્ડર છે. આપણે કુલ સાત લાખ રૂપિયા આપવાના હતા એમાં પાંચ લાખ આપી દીધા છે. એણે એમ કહ્યું હતું કે મને પાંચ લાખ આપો એટલે દસ્તાવેજ કરી દઇશ. બાકીના પછી કટકે કટકે આપો તોય ચાલશે. એમાંથી ય આપણે એને એક લાખને દસ હજાર આપી દીધા છે. હવે નેવું હજાર બાકી છે. પણ એ દસ્તાવેજેય નથી કરી આપતો અને પૈસા પાછાંય નથી આપતો. આપણે જો દસ્તાવેજ થઇ જાય તો બેન્કમાં લોનમાં મૂકવો છે. એની પાસે તમારા દીકરા જાય તો બહાના બતાવે છે. આજે કરી દઇશ, કાલે કરી દઇશ… પણ હવે એની દાનત બગડી છે. એ આપણી જેવા જે પાંચ-સાત જણા સોજા માણસો છે એના પૈસા હડપ કરી જવાની પેરવીમાં છે. તમારા દીકરા ટેન્શનમાં એટલે છે.”
“એવું છે ?” પ્રભાશંકરના મગજમાં ગણતરી ચાલુ થઇ ગઇ. બે મિનિટ પછી બોલ્યા: “રણમલ ઝાલા લીંબડી બાજુનો છે ? ”
“હા લગભગ છે તો એવું જ કાંઇક… આમ, પાક્કી ખબર નથી.”
“એ અત્યારે મળે કયાં? મને કહેશો ? ”
જવાબમાં અનિતા તેની ઓફિસના સરનામાનું કાગળિયું લેતી આવી. ઓફિસના સરનામાની ચબરખી બંડીના ખિસ્સામાં નાખીને તે આશુતોષને ઊભો કરતા બોલ્યા ઃ “ઉઠ, ઉભો થા. હાલ, મારી સાથે. આમ ઢીલા-પોચા થવું કામ ન આવે. દીકરા ! આને તો ઇંટના જવાબ પથ્થરથી આપવાના હોય. એ ગમે એવો હોય તો શું થઇ ગયું ? લોહી તો બધાને નીકળે. ઇ પછી દરબાર હોય કે બામણ ! અને એમ કાંઇ આપણે રેંજીપંજી નથી. હાલ, મને સરનામા ભેળો કર એટલે તારો હિસાબ ચૂકતે કરતો જાઉ !”
—–
“રણજીત ક્યાં છે ?”
“શક્તિ બિલ્ડર્સ”ની ઓફિસની બહાર જ પ્રભાશંકરે બુલંદ ગર્જના કરી એનો પડઘો કાચની કેબીન વિંધીને અંદર સુધી પડયો. અંદર બેઠેલો રણજીત ચમક્યો “ કોણ છે ઇ ? ” એણે કાચની આરપાર નજર કરી, તો આશુતોષને ઓળખી ગયો. બહાર બેઠેલા ચોકીદારે “શેઠ અંદર બેઠા છે ”નો ઇશારો કર્યો એ ભેળા પ્રભાશંકર અંદર ઘૂસી ગયા.
“અરે…અરે… કોણ છો, કોણ છો તમે ?” રણજીતે રિવોલ્વીંગ ચેરમાંથી ઊભા થઇ જતા ગરમી પકડી લેતા કહ્યું એ ભેળા પ્રભાશંકરે સિંહની અદાથી કહ્યું: “આનો બાપ છું બોલ, શું કહેવું છે તારે ?” આશુતોષના ખભે હાથ રાખીને પ્રભાશંકર તણખ્યા: “જોવા નથી આવ્યો. હક્ક હિસ્સો લેવા આવ્યો છું…” ક્ષણેક અટકયા પછી, “આમ તો મૂળ તો તું લીલીપાટના ખુમભા ઝાલાનો જ દીકરો છે કે બીજું કોઇ ? એમ ઇ પણ પ્રભાશંકર મૂળશંકર જોષીનો દીકરો છે.. સમજાયું ? ”
– પોતાના ગામનું અને બાપુનું નામ પડયું એટલે રણજીતની અડધી ખુમારી ઓગળી ગઇ. રજા લીધા વગર જ ટેબલ ઉપર પડેલા ટેલિફોનના ડબલા ઉપરનું રિસીવર રણજીતના હાથમાં પકડાવતા પ્રભાશંકરે હુકમ કર્યો: “ખુમભાને ફોન લગાડ…”
અને અવશપણે રણજીતથી બાપુનો નંબર ડાયલ થઇ ગયો “હલ્લો” થયું એ ભેગા જ પ્રભાશંકરે રિસીવર હાથમાં લઇને ફોનનું દોરડું ધણધણાવી નાખ્યું. દસ મિનિટ વાત કરી અગિયારમી મિનિટે રિસીવર રણજીતના હાથમાં પકડાવતા પ્રભાશંકર બોલ્યા: “ તારો બાપો શું કહે છે ઇ ભેજું શાંત રાખીને સાંભળી લે પહેલા ! અને પછી મારા દીકરાનો છૂટકારો કર.”
માત્ર બે જ મિનિટ અને ત્રીજી મિનિટે રણજીત “દાદા…” કરતો પ્રભાશંકરના પગમાં સાક્ષાત દંડવત થઇ ગયો હતો !
“એલા, બામણને મારશો તો કયે ભવ છૂટશો ?” પ્રભાશંકરે તેને ઊભો કરતા કહ્યું અને રણજીત “ગોરદાદા, ભૂલ થઇ ગઇ… દસ્તાવેજ તૈયાર જ છે. હાલને હાલ આપી દઉ….” નાક રગડતો બોલી ઉઠયો.
પ્રભાશંકરે વળી પાછી દાટી આપી ઃ “આજ રાત સુધીમાં આના નામનો દસ્તાવેજ મળી જવો જોઇએ. નહિંતર પછી મારે લીલીપાટ ધક્કો થાશે…”
—-
સાડા છ – પોણા સાત જેવું થયું કે પ્રભાશંકર સાબદા થયા. વહુને માથે હાથ મૂક્યો. મુન્નીને વહાલ કર્યું ને કહ્યું : “દીકરા, હવે હું જાઉ છું. અહીયાથી રિક્ષામાં વહ્યો જોઇશ. કાળુપુરથી અમે બધા ભેગા થઇ જાશું તારે ધક્કો ખાવાની જરૂર નથી. હવે બધુ પતી જશે. હું બાર દિવસ પછી જાત્રા કરીને આવી જઇશ…”
“અરે પણ બાપુજી, હું તમને મૂકવા…” પણ એ પહેલા તો એ “આવજો અને તબિયત સાચવજા” કરતા નીકળી પડયા.
—-
રાતના સવા આઠે બુલેટ ઉપર આવીને રણજીત દસ્તાવેજ આપી ગયો. કહેતો હતો કે દસ્તાવેજ તો ઓફિસના લોકરમાં જ પડયા હતા. ચાવી પાર્ટનરે ખોઇ નાખી હતી. લ્યો તમારી અમાનત. દાદાને હું કહી દઉને…? કયાં છે ?”
એ તો ગયા – જાતરા કરવા. ”
આશુતોષે કહ્યું.
—
ફીટ સાડા આઠે દરવાજે એક એમ્બેસેડર આવીને ઊભી રહી ગઇ. અનિતાએ આશુતોષને કહ્યું ઃ “જુઓ દરવાજે મોટર આવીને ઊભી રહી ગઇ છે..કોણ છે ?”
આશુતોષ બહાર નીકળ્યો તો ગાડીમાંથી બે જણા ઊતર્યા. આશુતોષ ઓળખી ગયો.
– એક ભોટુકાકા હતા બીજા જનુભાઇ હતા.
“અરે તમે ? અત્યારે ? ”
“હા…. બેટા…. ચાલો તમે લોકો !!! તું ને વહુ… જલદી જલદી તૈયાર થઇ જાવ. તમને ખબર આપવા તારા પાડોશમાં નંબર ઉપર બહુ ફોન કર્યા પણ… લાગ્યો જ નહીં. અંતે લેવા આવવું પડયું… ચાલો, વેળા વીતતી જાય છે…!”
“અરે પણ શેની વેળા ? શી વાત છે ? કાંઇ થયું છે વળી ? ”
“તારા બાપુજી….” ભોટુકાકાનો સ્વર તરડાઇ ગયો: “આજે બપોરે… ત્રણ વાગ્યે…. જતા જતા કહેતા ગયા કે ભૂલ થઇ ગઇ હતી મારી પણ દેહ પડે તો, અગ્નીદાહ તો આશુતોષના હાથે જ…. ”
“હેં ???” આશુતોષ સ્તબ્ધ થઇ ગયો અને હાથમાં ફફડી રહેલા દસ્તાવેજના ખતને અવાચક બની તાકી રહ્યો !!
(ક્રમશઃ)











































