જીરુંના પાકને ઊંડી ખેડની જરૂર નથી પરંતુ વર્ષમાં એકવાર ઊંડી ખેડ કરવી હિતાવહ છે. કરબની આડી અને ઊભી બે થી ત્રણ ખેડ કરી સમાર મારી ખેતર સમતળ કરવું. સાંકડા અને નાના કયારા બનાવવા. જીરુંના ખેતરમાં ભારે મોટું ઝાડ, ભારે ઘાટી ઊંચી કોરની જીવંત વાડ હોવી જોઈએ નહીં. જો ખેતરમાં કે શેઢા ઉપર ભારે મોટું ઝાડ હોય તો છટણી કરવી હિતાવહ છે. જીરુંના ખેતરની બાજુમાંથી સતત વહેતો પાણીનો ઢાળીયો કે બાજુમાં રાયડો, રજકો કે ઘઉંનું વાવેતર પણ હિતાવહ નથી.
પાકની ફેરબદલીઃ જુદા જુદા ખરીફ પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, તલ, મગ, ચોળી કે મગફળી પછી જીરુંની ખેતી સરળતાથી કરી શકાય છે.
બીજની પસંદગીઃ જનીનિક તેમજ ભૌતિક શુદ્ધતાવાળું, સારી સ્કૂરણશક્તિ ધરાવતું અને શુદ્ધ અને પ્રમાણિત બિયારણ એ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે. તેથી પ્રમાણિત બિયારણ જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો અને આવા બિયારણ ૨-૩ વર્ષ બાદ ફેરબદલી કરી નવું બિયારણ વાપરવું. ખેડૂતોમાં સુધારેલા બિયારણોની માંગ પણ વધવા પામેલ છે ત્યારે, છેલ્લામાં છેલ્લી ભલામણ કરેલ જીરું પાકની જાતની ખાસિયતોની જાણકારી બિયારણ પસંદગી માટે ખૂબ જ જરૂરી છે.
જાતની પસંદગીઃ
૧.ગુજરાત જીરું-૧: ગુજરાત જીરું-૧ જે ૧૯૮૨ માં મશાલા સંશોધન કેન્દ્ર, જગુદણ થી બહાર પડેલ છે. બોલ્ડ દાણો, છોડના ઉભા ગુલાબી ફૂલ, દાણાની સારી ગુણવત્તા, સુકારા રોગ પ્રતિકારકતા, પાકવાના દિવસ ૧૦૫-૧૧૦ તેમજ અંદાજીત ઉત્પાદન ૭.૦ ક્વિન્ટલ/હે. આપતી જાત છે.
૨.ગુજરાત જીરું-૨: ગુજરાત જીરું-૨ જે ૧૯૯૨ માં મશાલા સંશોધન કેન્દ્ર, જગુદણ થી બહાર પડેલ છે. બુશી છોડ, વધુ ડાળખી, દાણાની સારી ગુણવત્તા અને પાકવાના દિવસ ૧૦૦ તેમજ અંદાજીત ઉત્પાદન ૭.૦ ક્વિન્ટલ/હે. આપતી જાત છે.
૩.ગુજરાત જીરું-૩: ગુજરાત જીરું-૩ જે ૧૯૯૯ માં મશાલા સંશોધન કેન્દ્ર, જગુદણ થી બહાર પડેલ છે. દાણાની સારી ગુણવત્તા, સરળ ફાટવાની ગુણવત્તા, ઉડ્ડયનશીલ તેલ ૩.૫ %, સુકારા રોગ પ્રતિકારકતા તેમજ પાકવાના દિવસ ૧૦૦ તેમજ અંદાજીત ઉત્પાદન ૭.૦ ક્વિન્ટલ/હે. આપતી જાત છે.
૪.ગુજરાત જીરું-૪ઃ ગુજરાત જીરું-૪ જે ૨૦૦૩ માં મશાલા સંશોધન કેન્દ્ર, જગુદણ થી બહાર પડેલ છે. ગુજરાત જીરું-૪ના દાણાની સારી ગુણવત્તા, ફીજીરીયમ સુકારા રોગ પ્રતિકારકતા તેમજ પાકવાના દિવસ ૧૦૦-૧૦૫ તેમજ અંદાજીત ઉત્પાદન ૮.૭૫ ક્વિન્ટલ/હે. આપતી જાત છે.
૫.ગુજરાત જીરું-૫ઃ ગુજરાત જીરું-૫ જે ૨૦૧૯ માં મશાલા સંશોધન કેન્દ્ર, જગુદણ થી બહાર પડેલ છે. મધ્યમ ચમકદાર દાણા, સુકારા સામે મધ્યમ પ્રતિકારકતા, વહેલી પાકતી જાત(૯૨ દિવસ), વધુ ઉડ્ડયનશીલ તેલ તેમજ અંદાજીત ઉત્પાદન ૬.૮૬ ક્વિન્ટલ/હે. આપતી જાત છે. તેમજ રાજસ્થાનની આર.જેડ સિરીઝ જાત પણ ઉત્તર ગુજરાતમાં વવાય છે.
વાવણી સમય: નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં જ્યારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું મહત્તમ ઉષ્ણતામાન ૩૦° થી ૩ર° સેન્ટિગ્રેડની આસપાસ થાય ત્યારે વાવેતર કરવું જોઈએ.
વાવણી પદ્ધતિ અને બીજ દરઃ કોઈપણ પાકની ઉત્પાદકતા ઉપર અસર કરતા પરિબળો પૈકી એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જો છોડની સંખ્યા ઓછી હોય તો તેની અસર ઉત્પાદન ઉપર થાય છે. વધુ સંખ્યા હોય તો જગ્યા, પાણી તેમજ ખાતરની અપુરતી પ્રાપ્તિના કારણે છોડનો યોગ્ય વિકાસ થતો નથી. ઉપરાંત એકમ વિસ્તારમાં છોડની વધુ સંખ્યાના કારણે રોગ જીવાતનો ફેલાવો ઝડપી અને વધુ પ્રમાણમાં થાય છે. મોટાભાગે ખેડૂતો ચાસમાં વાવણી કરવાને બદલે પૂંખીને વાવેતર કરે છે, જેને કારણે બિયારણ એકસરખા પ્રમાણમાં અને સરખી ઊંડાઈએ જમીનમાં પડતું નથી, વળી પિયત આપવાથી ખુલ્લા બી પાણી સાથે તણાઈને એક જગ્યાએ ભેગા થાય ત્યાં વધુ સંખ્યામાં ઉગે છે જ્યારે અન્ય ભાગોમાં બિયારણ ઓછું હોવાને કારણે છોડની સંખ્યા ઓછી અને અનિયમિત અંતરે રહે છે, આમ એકમ વિસ્તારમાં છોડની સંખ્યા પુરતી જળવાય રહે અને એક સરખો ઉગાવો મળે તે માટે બિયારણનો દર પ્રતિ હેક્ટરે ૧૦ થી ૧૨ કિ.ગ્રા. રાખી જીરુંનું વાવેતર બે હાર વચ્ચે ૩૦ સે.મી.ના અંતરે અને ૧ થી ૨.૫ સે.મી.ની ઊંડાઈએ કરવું. ક્ષારીય જમીનમાં પ્રતિ હેક્ટરે ૧૬ કિ.ગ્રા. બીજદર રાખવો.
ખાતર વ્યવસ્થાપનઃ સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સપ્રમાણ રીતે આપી બરાબર ભેળવી દેવું આવશ્યક છે. પાયાના ખાતરો ચાસમાં બીજની નીચે પડે તે રીતે આપવાથી છોડ તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે. વાવણી સમયે હેક્ટર દીઠ પાયાના ખાતર તરીકે ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ (૩૩ કિ.ગ્રા. ડી.એ.પી.) અને ૧૩૩ કિ.ગ્રા. નાઈટ્રોજન (૧૭ કિ.ગ્રા. યુરિયા) આપવું. બાકી રહેલ ૨૬.૭ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેક્ટર પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ ૮-૧૦ અને ૩૦ દિવસે ૫૭ કિ.ગ્રા. યુરિયાને બે સરખા હપ્તામાં પિયત આપ્યા બાદ સાંજના સમયે પગ ટકે તેવા ભેજે આપવું. સૂક્ષ્મ ત¥વોની ઉણપવાળી જમીન માટે ભલામણ કરેલ ખાતર સાથે ૧ ટન સારું કોહવાયેલ છાણીયા ખાતરને ૧.૫ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ અને ૦.૭૫૦ કિ.ગ્રા. ઝીંક સલ્ફેટથી મિશ્ર કરી પાયામાં આપવાથી વધુ ઉત્પાદન મળે છે. ક્ષારીય જમીનમાં ભલામણ કરેલ ખાતર કરતાં વધારે ખાતર આપવું. ઘનિષ્ઠ પાક પદ્ધતિ અંતર્ગત ચોમાસું મગને ભલામણ મુજબના ખાતરો આપ્યા બાદ મગ પછી જીરુંનું વાવેતર કરવામાં આવે તો ૫૦ ટકા નાઈટ્રોજન તત્વ (૨૦ કિ.ગ્રા.)ની બચત કરી શકાય છે.