ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા સ્થાપિત કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ, અમરેલીના ઉપક્રમે જીજીબેન ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે “સશકત યુવા અને ભગવદ્દ ગીતા” વિષય પર એક પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત નિત્યસુદ્ધાનંદજી સરસ્વતી મહારાજે ભગવદ્દ ગીતાના ઉપદેશો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં ધર્મ, કર્મ અને કર્તવ્યની મહત્તા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે ભગવદ્દ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નહીં પરંતુ જીવન જીવવાની વૈજ્ઞાનિક માર્ગદર્શિકા છે. ગીતાના શ્લોકો માનવીને આત્મવિશ્વાસ, સંયમ અને સકારાત્મક દૃષ્ટિકોણ પ્રદાન કરે છે. પરિસંવાદમાં ગીતાના કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ જેવા સિદ્ધાંતોનું સરળ ઉદાહરણો સાથે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંત્રીના અંગત મદદનીશ ભાવેશભાઈ ભાલિયા, શાળાના આચાર્ય રોહિત મહેતા, કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના આચાર્ય મનીષભાઈ સિદ્ધપુરા સહિત શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











































