દેવભૂમિ દેવળીયાના જાગૃત નાગરિક નાથાલાલ સુખડિયાએ ઊર્જા રાજ્ય મંત્રી અને અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને પત્ર લખીને જિલ્લાની વર્ષો જુની વીજ લાઈન મરામત કરાવવા અંગે લોક દરબાર યોજીને વિવિધ સમસ્યાનું નિવારણ કરવા અંગે લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લા ખેડૂતોની વીજ લાઈન સમસ્યાઓ જેવી કે ત્રાંસા પોલ, ઢીલા વીજ વાયરો અને ત્રાંસા ટ્રાન્સફોર્મર વિગેરે અંગે ખેડૂતો દ્વારા સંબંધિત પેટા વિભાગીય કચેરીઓને લેખિત રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરાતા આ સમસ્યાનું નિવારણ આવતું નથી. જેના કારણે ખેડૂતોના ઘઉંના પાકમાં આગ લાગવાની ઘટના અને લોકોને અને પશુઓને ઇજા થવાના બનાવો બને છે, આથી લાઈન ટ્રીપ થવાના વધારે બનાવ બનતા રહે છે. જે બાબતે જિલ્લા કક્ષાની વર્તુળ કચેરી ખાતે, અખબારો તેમજ સોશિયલ મીડિયામાં જાહેરાત કરીને લોક દરબાર યોજીને આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવો જોઈએ.