અમરેલી સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વ્યાજબી કામ સિવાય આવતા તમામ અનઅધિકૃત ઈસમો કે ટોળકીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર જનતા અને અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવાની લાલચ આપતા ઈસમોને રોકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ આ જાહેરનામું બહાર પાડ્યું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તે સજાને પાત્ર ઠરશે. આ આદેશનું પાલન કરાવવા માટે સહાયક મોટર વાહન નિરીક્ષક કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા કર્મચારીઓ તેમજ હેડ કોન્સ્ટેબલથી ઉપરના પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામું આગામી તારીખ ૦૯/૦૫/૨૦૨૬ સુધી અમલી રહેશે.





































