બાબરા તાલુકાના જામબરવાળા ગામે આવેલી વી.એન. પટેલ કલ્યાણ વિદ્યાલય ખાતે બાબરા પોલીસ સ્ટેશન દ્વારા ‘સુરક્ષા સેતુ’ પ્રોજેક્ટ અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સુરક્ષા અને સ્વ-બચાવ અંગે સજાગ કરવાનો હતો. આ પ્રસંગે બાબરાના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અત્યંત સંવેદનશીલ વિષય ‘ગુડ ટચ – બેડ ટચ‘ (સ્પર્શની સમજ) વિશે વિસ્તૃત અને સરળ શૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક જાગૃતિ લાવવા માટે એક વિશેષ શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મ દ્વારા કયો સ્પર્શ સુરક્ષિત છે અને કયો અસુરક્ષિત, તે અંગે સમજણ આપી મુશ્કેલ સમયમાં પોલીસની મદદ કેવી રીતે લેવી તે વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.