જાફરાબાદના લાલબત્તી વિસ્તારમાં સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હિંસક ઘટના સામે આવી હતી. આરોપીઓએ એકસંપ કરી, ગેરકાયદેસર મંડળી રચીને લાકડાના ધોકા અને પથ્થરો વડે હુમલો કરતા બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાજુભાઇ વાલાભાઇ શીયાળ (ઉ.વ.૨૪) એ શુકરભાઇ વિક્રમભાઇ બારૈયા, સુરેશભાઇ વિક્રમભાઇ બારૈયા, પ્રતાપભાઇ વિક્રમભાઇ બારૈયા તથા કંચનબેન બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓ છોટા હાથી વાહન લઈને ફરિયાદીના ઘર પાસે ધસી આવ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર ઉશ્કેરાયેલા આ શખ્સોએ હાથમાં લાકડાના ધોકા જેવા હથિયારો ધારણ કરી આતંક મચાવ્યો હતો.
હુમલા દરમિયાન પથ્થરનો છુટ્ટો ઘા મારવામાં આવતા સાહેદ ભાણજીભાઈને માથાના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હતું. તેમજ સાહેદ રવજીભાઈને લાકડાના ધોકા વડે હુમલો કરતા તેમને શરીરે મૂઢ ઈજાઓ પહોંચી હતા. અન્ય આરોપીઓએ પણ તેમની અને સાહેદોને ઢીકાપાટુનો માર મારી, ગાળાગાળી કરી હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.પી.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.








































