જાફરાબાદ તાલુકાના વાંઢ ગામથી વારાહસ્વરૂપ માર્ગ પર કન્ટેનર ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જાફરાબાદ પંથકમાં અનેક મહાકાય કંપનીઓ આવેલી છે જેમાં ખાસ કરીને સ્વાન કંપની તેમજ અલ્ટ્રાટેક કંપનીના ઓવરલોડિંગ વાહનો વાંઢ ગામથી વારાહસ્વરૂપ ગામ જતા હોય તેના કારણે આ માર્ગ પર છાશવારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ બાબતે વાંઢ ગામના લોકોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. સરપંચ શામળાભાઈ રબારીએ જણાવ્યું હતું કે ઓવરલોડિંગ વાહનોને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. માર્ગ મકાન ખાતા દ્વારા રોડની બંને બાજુ માટીનું પુરાણ કરવામાં ન આવતા વાહનો પલટી મારી જતા હોય છે જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ સામે આવી છે. આમ વાંઢ ગામથી વારાહસ્વરૂપ ગામ વચ્ચે વારંવાર સર્જાતા ટ્રાફિક જામથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોની સમસ્યાનું તંત્ર તાત્કાલિક નિરાકરણ કરે તેવી માંગ કરવામાં આવી છે.