જાફરાબાદના ફાચરિયા ગામના ખેડૂતને વિશ્વાસમાં લઈ સોનીએ દાગીના અને રોકડ મળી કુલ રૂ.૩૯.૪૩ લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે જાફરાબાદના ફાચરિયા ગામના જાદવભાઇ લીંબાભાઇ ગોંડલીયા (ઉ.વ.૫૮) એ ખાંભામાં રહેતા હિરેનભાઇ ઉર્ફે ચકુ ત્રિભોવનભાઇ સલ્લા (સોની) સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ તેમને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી એક જોડ સોનાની બંગડી, એક જોડી સોનાના પાટલા અને પાંચ સોનાની વીંટી સહિત કુલ રૂ. ૧૩,૦૦,૦૦૦ ની કિંમતનું સોનું મેળવ્યું હતું. આરોપીએ આ સોનાના બદલામાં દાગીના કે રૂપિયા પરત આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે આપ્યા ન હતા. આરોપીએ માત્ર તેમની જ નહીં, પરંતુ અન્ય સાક્ષીઓ પાસેથી પણ અલગ-અલગ સમયે નવા દાગીના બનાવવાના બહાને કુલ રૂ. ૧૨,૭૪,૭૫૦ ની રોકડ એડવાન્સ પેટે વસૂલી હતી. આટલી મોટી રકમ લીધા બાદ તેણે દાગીના બનાવી આપ્યા ન હતા અને રૂપિયા પણ પરત કર્યા ન હતા. વધુમાં, આરોપીએ સાક્ષીઓ પાસેથી રૂ. ૧૩,૬૮,૪૦૦ ની કિંમતના સોનાના જૂના ઘરેણાં અને ચાંદીનો ભંગાર પણ પડાવી લીધો હતો. આમ, કુલ મળીને રૂ. ૩૯.૪૩ લાખ થી વધુની મત્તા આરોપીએ ઇરાદાપૂર્વક અને બદદાનતથી હડપ કરી લીધી હતી.
પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી. એમ. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.









































