જાફરાબાદના ખાલસા કંથારીયા ગામે એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. જેમાં પત્નીની લાંબા સમયની બીમારીથી દુઃખી થઈને પતિએ પોતે ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મનસુખભાઈ મધુભાઈ ચૌહાણે જાહેર કર્યા મુજબ, મધુભાઈ વિરાભાઈ ચૌહાણના પત્ની છેલ્લા પાંચ વર્ષથી હૃદયની ગંભીર બીમારીથી પીડાતા હતા. પત્નીની સતત નાદુરસ્ત તબિયત અને તેની તકલીફ જોઈને પતિ ખૂબ જ દુઃખી અને ઉદાસ રહેતા હતા. પત્નીના સ્વાસ્થ્યની ચિંતામાં તેઓ લાંબા સમયથી માનસિક તણાવમાં હતા.પત્નીની હૃદયની બીમારીનો કોઈ કાયમી ઉકેલ ન આવતા અને પરિવારની કપરી સ્થિતિ જોઈને ચૌહાણ અત્યંત વ્યથિત થઈ ગયા હતા. આ માનસિક બોજ અને દુઃખ સહન ન થતા તેમણે અંતે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી, અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.