ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર મુસાફરી કરી રહેલા લોકો માટે ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ પાસે અચાનક એક ચાલતી ફોર વ્હીલર કારમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં કારના એન્જિનમાંથી નીકળતી જ્વાળાઓએ આખી ગાડીને લપેટમાં લઈ લીધી હતી. આ દુર્ઘટનાને કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકોના પૈડા થંભી ગયા હતા. ઘટનાની જાણ થતા જ રાજુલા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગમાં કાર સંપૂર્ણપણે બળીને ભસ્મ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ હાઇવે પર છેલ્લા ૨૪ કલાકમાં આગની આ બીજી ઘટના બની છે.