આજે કોઇપણ અખબાર હાથમાં લેશો તો સામે પહેલા જ કોઇને કોઇ પ્રકારના ફ્રોડના કિસ્સાના મોટાં હેડિંગ વાંચવા મળશે. અખબારો, ન્યૂઝ ચેનલો, સોશિયમ મીડિયા રોજેરોજ અસંખ્ય કિસ્સાને પ્રકાશિત કરી મારી-તમારી સૌની
જાગૃતિ માટે બનતા તમામ પ્રયાસ કરી છૂટે છે. તો સરકારી તંત્ર પણ મોટી મોટી જાહેરાતો અને સોશિયલ પ્લેટફોર્મથી જનતાને જાગૃત કરવા કંઇ કેટલાય પ્રયાસ કરવાની સાથે જરૂરી મોબાઇલ કે હેલ્પલાઇન નંબરો પણ જણાવે છે. તેમ છતાં રોજેરોજ ફ્રોડના એટલા જ કિસ્સા બન્યા કરે છે. તો શું આપણે ફ્રોડ બાબતે સજાગ નથી? શું તંત્ર સજાગ નથી? ચૂક ક્યાં થાય છે..આપણને કંઇ સમજાતું નથી. તો વાત એમ છે કે, આપણને પોતાને જ ફ્રોડ વિશે પૂરતી ખબર કે સમજ નથી, એટલે આપણે તેનો શિકાર બનતા જઇએ છીએ. આજે જાણી લઇએ કે દેશ-દુનિયામાં કેટલી જાતના ફ્રોડ થાય છે? કયા ફ્રોડને શું કહે છે? આપણે આવા ફ્રોડને સમજૂતીપૂર્વક વાંચી લઇએ, એ પછી ઘરની મહિલાઓ અને બાળકોને પણ જણાવી-સમજાવી દઇએ..તો શક્ય છે કે, આપણે અને આપણો પરિવાર આવા ફ્રોડથી સત્વરે બચી શકીશું.!
(૧) સોશિયલ મીડિયા સંબંધી ફ્રોડ: આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ માટે તો કોઇ નવા મિત્રો બનાવવા માટે વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામ, ટિ્વટર, યુટ્યુબ, ટિકટોક જેવી એપ્લિકેશનથી સતત એકબીજાના સંપર્કમાં રહે છે. જો કે, અહીં તમારી સાથે છેતરપિંડી કરવા માટે ઘણા અસામાજિક સાઇબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ કે,સોશિયલ મીડિયામાં અન્ય વ્યક્તિના નામે ફેક પ્રોફાઇલ બનાવવી, સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવા, અન્ય વ્યકિતના ફોટો-વીડિયો અનધિકૃત રીતે અપલોડ કરવા, કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો પ્રયોગ, બિભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી, સાઇબર બુલિંગ, ફેક ન્યૂઝ કે ખોટી અફવા ફેલાવવી, ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી કોઇની લાગણીને ઠેસ પહોંચાડવી કે તેવી માહિતી, ફોટા કે વીડિયો અપલોડ કરવા, ટેગ કે શેર કરવા પણ ગંભીર ગુનો બને છે.
(૨) ઓનલાઈન ડેબિટ-ક્રેડિટ કાર્ડ ફ્રોડ: પહેલાંના સમયમાં હાથમાં છરી જેવા હથિયાર લઇ અસામાજીક ત¥વો લૂંટ ચલાવતા, પણ હવે તમારા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં આયોજનપુર્વક ક (વન ટાઇમ પાસવર્ડ)થી લાખો-કરોડો રૂપિયાની ઉઠાંતરીના કિસ્સા બને છે. નાગરિકોને ફોન પર બેંક મેનેજર/કર્મચારી કે આરબીઆઇના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી વિશ્વાસ કેળવી તેમના મોબાઇલ ફોન પર આવેલા ઓટીપી ઉપરાંત ડેબિટ/ ક્રેડિટ કાર્ડની મહત્વપૂર્ણ માહિતી મેળવી ખાતામાંથી મોટી રકમ ઉપાડી લે છે.
(૩) જોબ ફ્રોડ (નોકરી સંબંધી ફ્રોડ): નોકરી સંબંધી લાલચ આપી છેતરપિંડી આચરવી એ સૌથી સરળ અને ઘણાં બધાં લોકોને છેતરવાનો સાઇબર અપરાધીનો ધીકતો ધંધો છે. સામાન્ય રીતે નાગરિકો નોકરી મેળવવા જુદી-જુદી વેબસાઇટ પર એપ્લાય કરતા રહે છે, આવા લોકોની માહિતી યેનકેન પ્રકારે મેળવીને નોકરી ઇચ્છતા લોકોનો ફોન કે ઇમેલથી સંપર્ક કરી સાઇબર અપરાધી તેમનો વિશ્વાસ કેળવી જુદી-જુદી પ્રોસેસિંગ ફીના બહાના હેઠળ નાણાં પડાવી આર્થિક નુકશાન પહોંચાડવા જેવા ગુનાઇત કૃત્ય આચરે છે.
(૪) મેટ્રિમોનિયલ ફ્રોડ: લગ્ન માટે જીવનસાથી શોધતા-શોધતા જીવનસાથીના બદલે સાઇબર અપરાધીઓનો ભેટો થઇ જાય તેવા સંખ્યાબંધ કિસ્સા સામે આવ્યા છે. સુખદ લગ્ન જીવનના સપનાં જોતા ઘણાં લોકો સાથે વર/કન્યાના નામે છેતરપિંડીની ઘટના બને છે. ઓનલાઇન મેટ્રિમોનિયલ વેબસાઇટ પર સ્ત્રી કે પુરૂષ જ્યારે રજીસ્ટ્રેશન કરાવે ત્યારે તેમને સપનેય ખ્યાલ હોતો નથી કે સાઇબર ક્રિમિનલ પણ આ જ વેબસાઇટ પર શિકાર શોધી રહ્યો છે. મોટા ભાગના કિસ્સામાં તમારી તમામ વિગતો મેળવી, વિશ્વાસ કેળવી, બનાવટી વાતો અને નકલી ઓળખ આપી તમને આર્થિક નુકશાન પહોંચાડવા થતી પ્રવૃત્તિ એટલે મેટ્રિમોનિયલ ફ્રોડ.
sanjogpurti@gmail.com











































