જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી છે અને પાંચ વિકેટ લીધી છે. પ્રથમ ઇનિંગમાં, તેણે ઇંગ્લેન્ડની ટીમને સમેટી લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે ઘણી વખત ઇંગ્લેન્ડના બેટ્‌સમેનો માટે સમસ્યાઓ ઉભી કરી હતી. બુમરાહને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્રીજી ટેસ્ટમાં તે પાછો ફરતા જ તેણે પોતાનો જલવો બતાવી દીધો છે.

જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ૨૭ ઓવર ફેંકી હતી અને ૭૪ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેણે પાંચ વિકેટ લેતાની સાથે જ ઇતિહાસ રચી દીધો હતો. હવે તે વિદેશી ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ પાંચ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે અને તેણે દિગ્ગજ કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બુમરાહે અત્યાર સુધી વિદેશી ધરતી પર ટેસ્ટમાં ૧૩ પાંચ વિકેટ લીધી છે. જ્યારે કપિલે ૧૨ વખત આવું કર્યું હતું. હવે વિદેશી ધરતી પર ટેસ્ટમાં પાંચ વિકેટ લેવાની બાબતમાં, બુમરાહે બધા ભારતીય બોલરોને પાછળ છોડી દીધા છે અને નંબર-૧ સિંહાસન પર કબજા જમાવી લીધો છે.

જસપ્રીત બુમરાહએ ૨૦૧૮ માં ભારતીય ટેસ્ટ ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તે ભારતીય ટીમનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. વિદેશી ધરતી પર તેનું પ્રદર્શન વધુ સ્પષ્ટ થાય છે. તેણે ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધીમાં ૪૭ ટેસ્ટ મેચોમાં કુલ ૨૧૫ વિકેટ લીધી છે. આ દરમિયાન, તેણે ૧૫ વખત પાંચ વિકેટ લીધી છે. બુમરાહએ વનડે માં ૧૪૯ વિકેટ અને ટી ૨૦ ક્રિકેટમાં ૮૯ વિકેટ લીધી છે.

ત્રીજી ટેસ્ટ મેચમાં, ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને ૩૮૭ રન બનાવ્યા. જો રૂટે ટીમ માટે જોરદાર બેટિંગ કરી. તેણે સદી ફટકારતી વખતે ૧૦૪ રન બનાવ્યા. તેના સિવાય, નીચલા ક્રમના બેટ્‌સમેનોએ પણ સારું પ્રદર્શન કર્યું. જેમી સ્મિથે ૫૧ રન અને બ્રાયડન કાર્સે ૫૬ રન બનાવ્યા. આ ખેલાડીઓના કારણે જ ઇંગ્લેન્ડ ૩૫૦ રનનો આંકડો પાર કરી શક્યું. ભારત તરફથી બુમરાહે સૌથી વધુ પાંચ વિકેટ લીધી. મોહમ્મદ સિરાજ અને નીતિશ રેડ્ડીએ બે-બે વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી.