જસદણ નગરપાલિકાની મહિલા કોર્પોરેટર પર પાડોશીઓ સાથે થયેલા શ્વાન મુદ્દાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષે ગંભીર આરોપો સાથે સામસામી ફરિયાદ નોંધાઈ છે. પોલીસ મુજબ કોર્પોરેટરે ફરિયાદમાં જણાવ્યું કે પાડોશીઓએ ઇંટ વડે હુમલો કરી તેમને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. બીજી તરફ સામાપક્ષે આરોપ મૂક્યો કે કોર્પોરેટર તથા તેમના પરિવારજનોએ ઝપાઝપી દરમિયાન પથ્થરમારો કરી મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો અને કપડા ઉતારવાનો પ્રયાસ કર્યો. બંને પક્ષ વચ્ચે અગાઉ પણ રખડતા કુતરાના મુદ્દે બોલાચાલી થઈ હતી, જેના કારણે મનદુઃખ વધ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ દરમિયાન આસપાસના લોકો ભેગા થતાં વધુ અનિચ્છનીય ઘટના ટળી હતી. જસદણ પોલીસે બંને પક્ષના કુલ સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.