પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે એજબેસ્ટન મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડીયાને પહેલા બેટિંગ કરવાની તક મળી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડીયાએ આ મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. આ મેચની પહેલી ઇનિંગમાં ઓપનર યશસ્વી જયસ્વાલ ખૂબ જ લયમાં જાવા મળ્યો હતો. એવું લાગતું હતું કે તે અહીં પોતાની સદી પૂર્ણ કરશે પરંતુ બેન સ્ટોક્સે તેને ૮૭ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ મેચમાં યશસ્વી જયસ્વાલ અને બેન સ્ટોક્સ વચ્ચે એક નાનો ઝઘડો થયો હતો.
ખરેખર, ભારતની ઇનિંગની ૧૭મી ઓવરમાં, બેન સ્ટોક્સ અને યશસ્વી જયસ્વાલ વચ્ચે ઝઘડો થયો હતો. તે ઓવરમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ પોતે બોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે જયસ્વાલને થોડા શબ્દો કહ્યા, જેના જવાબમાં જયસ્વાલે પણ બેન સ્ટોક્સને કંઈક કહ્યું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ પછી, બેન સ્ટોક્સે પણ અંતે જયસ્વાલને આઉટ કર્યો. આઉટ થયા પછી, જયસ્વાલ ખૂબ જ નિરાશ થઈને પેવેલિયન પરત ફરતો જોવા મળ્યો.
એજબેસ્ટન ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે ૧૦૭ બોલમાં ૮૭ રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ૧૩ ચોગ્ગા ફટકાર્યા હતા. જો તેણે આ ઇનિંગમાં સદી પૂરી કરી હોત તો તેના નામે કેટલાક વધુ રેકોર્ડ ઉમેરાયા હોત, પરંતુ હવે આવું થઈ શક્યું નહીં. લીડ્‌સમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પહેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો, ત્યાં પણ તેણે પહેલી ઇનિંગમાં ૧૦૧ રનની ઇનિંગ રમી હતી. પરંતુ બીજી ઇનિંગમાં તે ફક્ત ૪ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, તે મેચમાં જયસ્વાલની ફિલ્ડિગ ખૂબ જ નબળી હતી, જેના કારણે તેને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.
એજબેસ્ટન ટેસ્ટ મેચના પહેલા દિવસની રમતની વાત કરીએ તો, અત્યાર સુધી બંને ટીમોએ ત્યાં સારી રમત બતાવી છે. પહેલા દિવસે ચાના વિરામ સુધી, ભારતે ૩ વિકેટ ગુમાવીને ૧૮૨ રન બનાવ્યા છે. ટીમ ઈન્ડીયા તરફથી શુભમન ગિલ ૪૨ રન અને ઋષભ પંત ૧૪ રન સાથે ક્રીઝ પર હાજર છે. બંને બેટ્‌સમેન વચ્ચે ૨૧ રનની ભાગીદારી થઈ છે અને હવે તેઓ આ ભાગીદારીને વધુ મોટી બનાવવા માંગે છે.