વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જમ્મુ અને કાશ્મીર હજ સમિતિએ ૧૪ મે સુધી તમામ ચાર્ટર્ડ હજ ફ્લાઇટ્‌સ રદ કરવાનો નિર્ણય લીધો છે. યાત્રાળુઓને ધીરજ રાખવા અને વધુ સૂચનાઓની રાહ જોવાની સલાહ આપવામાં આવી છે. ૯ મેના રોજ એક કાર્યાલયના સૂચનામાં, યાત્રાળુઓને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવી છે. જેમ તમે જાણો છો તેમ ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. પાકિસ્તાન સતત ભારતની સરહદે આવેલા રાજ્યોમાં હવાઈ હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને સતત ડ્રોન મોકલી રહ્યું છે. ભારત પણ આનો જોરદાર જવાબ આપી રહ્યું છે.

અગાઉ, જમ્મુ અને કાશ્મીરની હજ સમિતિએ ૨૦૨૫માં શ્રીનગરથી હજ યાત્રા માટે રવાના થનારા યાત્રાળુઓના પ્રથમ બેચ માટે ફ્લાઇટ શેડ્યૂલ જાહેર કર્યું હતું. પ્રથમ ફ્લાઇટ ૪ મેના રોજ નક્કી કરવામાં આવી હતી. સમિતિએ ત્યારે કહ્યું હતું કે બાકીના યાત્રાળુઓ માટે ફ્લાઇટ શેડ્યૂલ અલગથી સૂચિત કરવામાં આવશે. આ વર્ષે, જમ્મુ અને કાશ્મીરના ૩૬૦૦ થી વધુ યાત્રાળુઓ સરકારી ક્વોટા હેઠળ હજ કરવા જઈ રહ્યા છે.