લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયાસોથી ૬ ગામોના પંચાયત ભવનોના નવીનીકરણ માટે રાજ્ય સરકાર તરફથી રૂ. ૧.૫૦ કરોડની અનુદાન રકમ સી.ડી.પી. ૫ યોજના હેઠળ મંજૂર કરવામાં આવી છે. આ વિકાસ કામગીરી અંતર્ગત, લાઠી તાલુકાના મુળીયાપાટ, કાંચરડી, તાજપર, વીરપુર અને બાબરા તાલુકાના લાલકા તથા હાથીગઢ ગ્રામ પંચાયત ભવનોને આ ફંડમાંથી આધુનિક બનાવવામાં આવશે. ધારાસભ્યએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ગ્રામ પંચાયત ભવન એ માત્ર સરકારી ઈમારત નથી, પણ ગામના લોકસંપર્કનું અને લોકોને તેમના હક્ક મળવાનું મુખ્ય મંચ છે.” તેમણે ખાતરી આપી હતી કે, આગામી સમયમાં વધુ ગામોમાં પણ આવા વિકાસકામોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ નવા અનુદાનથી ગ્રામ પંચાયત સંસ્થાઓને સશક્ત બનાવવાનો અને ગ્રામવાસીઓને વધુ સારી, સક્ષમ અને ટેકનોલોજી આધારિત સેવા ઉપલબ્ધ કરવાનો માર્ગ ખુલશે.








































