છોટા ઉદેપુર જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂબંધી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે ઘઉંના લોટના કોથળાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતું આઇસર ઝડપાયું છે. પોલીસે બે શખસની ધરપકડ કરી છે અને ૨૦ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યા પહોંચાડવાનો હતો, તે અંગે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ અને વોચમાં હતી. ત્યારે પોલીસને બાતમી મળી કે એક આઇસરમાં ગેરકાયદે વિદેશી દારૂ ભરીને હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ વાહનને અટકાવ્યું અને તેની તલાશી લીધી.વાહનમાં પ્રથમ નજરે ઘઉંના લોટના કોથળા ભરેલા દેખાયા હતા. પરંતુ કોથળા હટાવીને તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે તેની પાછળ દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી.
સઘન તલાશી દરમિયાન વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૪,૦૭૦ બોટલ મળી આવી હતી. આ દારૂની અંદાજિત કિંમત ૧૦,૫૨,૪૧૦ રૂપિયા છે. દારૂ ઉપરાંત આઇસર વાહન અને અન્ય સાધનો મળીને પોલીસે કુલ ૨૦ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળની કાર્યવાહીના ભાગરૂપે બંને આરોપીની પૂછપરછ હાથ ધરી છે. દારૂની હેરાફેરી પાછળના આખા નેટવર્ક સુધી પહોંચવા માટે કાયદેસરની તપાસ ચાલી રહી છે.