સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ રાજય સરકાર તરફથી પ્રતિક્રિયા આપી છે કે, છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપ સરકારના શાસન હેઠળ રાજ્યમાં અભૂતપૂર્વ શાંતિ અને સલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સ્થિતિ એવી છે કે નવી પેઢીના બાળકોએ ક્યારેય ‘કર્ફ્યૂ’ શબ્દનો પ્રત્યક્ષ અનુભવ કર્યો નથી. આ શાંતિ પાછળ અશાંત ધારાના કડક અમલીકરણની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. જોકે વિપક્ષ દ્વારા આ કાયદાની જરૂરિયાત સામે સવાલો ઉઠાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે અનેચ્છિક સ્થળાંતર રોકવા અને વસ્તીના સંતુલનને જાળવી રાખવા માટે આ કાયદો એક રક્ષણાત્મક કવચ સમાન છે. જે નાગરિકો સાચા અને કાયદેસરના વ્યવહારો કરે છે તેમને આ ધારાથી કોઈ જ અવરોધ આવતો નથી. બિલના નવા સુધારા મુજબ, કોઈપણ નવા વિસ્તારને અશાંત જાહેર કરતા પહેલા નિષ્ણાત સમિતિ દ્વારા વાસ્તવિક સ્થિતિનો ઊંડો અભ્યાસ કરવામાં આવશે.