જાફરાબાદ તાલુકાના છેલણા ગામની સીમમાં એક હડકાયા શિયાળે ભારે આતંક મચાવ્યો હતો. આ શિયાળે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. હુમલામાં મહિલા હંસાબેન ઝીણાભાઈ સોલંકીને મોઢા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. મહિલાની બૂમો સાંભળીને આસપાસના ખેડૂતો મદદે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકોને બચકા ભર્યા બાદ શિયાળનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃત શિયાળનો કબ્જો લઈ તપાસ શરૂ કરી હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા હંસાબેન સોલંકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. જાફરાબાદ વિસ્તારમાં સિંહ, દીપડા, નીલગાય અને શિયાળ જેવા જંગલી પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે, પરંતુ શિયાળ દ્વારા આ પ્રકારનો હુમલો થવાની આ પહેલી ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકો અને ખાસ કરીને સીમ વિસ્તારમાં કામ કરતા લોકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. સિંહ અને દીપડાના હુમલાઓ બાદ હવે હડકાયા શિયાળનો આતંક પણ શરૂ થયો છે, જે સ્થાનિક લોકો માટે નવી મુશ્કેલી બની ગયો છે. વન્યપ્રાણીઓ દ્વારા થતા હુમલાઓથી બચવા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવે તે આવશ્યક છે.
મોટા ભાગે શ્વાન હડકાયા થતા હોવાના બનાવો છાશવારે બનવા પામે છે ત્યારે છેલણા ગામે એક શિયાળ હડકાયુ થયું હતું. ત્રણ લોકોને ઘાયલ કરવાના બનાવ બાદ શિયાળ હડકાયુ કઈ રીતે થયું તેની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવે તે જરૂરી છે. વન વિભાગ દ્વારા શિયાળના મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.










































