બાબરાની કોર્ટમાં ચાલી રહેલા ચેક રિટર્ન કેસમાં આરોપી જીજ્ઞેશભાઈ નર્મદાશંકર જોષી (રહે. કરિયાણા, તા. બાબરા)ને એક વર્ષની કેદની સજા ફટકારી છે અને ચેકની બમણી રકમ ફરિયાદીને ચૂકવવાનો આદેશ આપ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી વિક્રમભાઈ સોનીએ આરોપી જીજ્ઞેશ જોષીને રૂ.૧,૬૩,૦૦૦ની રકમ ઉછીની આપી હતી. જ્યારે ફરિયાદીએ આ રકમ પરત માંગી ત્યારે આરોપીએ ચેક આપ્યો હતો, જે બેંકમાં રજૂ કરતા અપૂરતા ભંડોળને કારણે બાઉન્સ થયો હતો. આ ઘટના બાદ વિક્રમભાઈ સોનીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ બાબરા કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે વકીલ કૌશિકભાઈ ભરાડે દલીલો રજૂ કરી હતી. કોર્ટે તેમની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી જીજ્ઞેશ જોષીને તકસીરવાન ઠેરવી આ સજા અને દંડનો હુકમ કર્યો હતો.