અમરેલીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરીયાના ભગીરથ પ્રયાસો અને સતત રજૂઆતોને મોટી સફળતા મળી છે. અમરેલી તાલુકાના ચિત્તલ ગામની વર્ષો જૂની રસ્તાઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧૭૦ લાખ (૧.૭૦ કરોડ) ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ગામના બે મુખ્ય માર્ગોને અત્યાધુનિક ‘સુવિધાપથ’ તરીકે વિકસાવવામાં આવશે. આ મંજૂરી અંતર્ગત બે મહત્વના કામ હાથ ધરવામાં આવશે અને નવાણવાડીથી સ્ટેટ હાઇવે આ રસ્તાને સુવિધાપથ બનાવવા માટે રૂ. ૬૫ લાખ ફાળવવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનથી સ્ટેટ હાઇવે મુસાફરોની અવરજવરથી ધમધમતા આ રસ્તા માટે રૂ. ૧૦૫ લાખ મંજૂર કરાયા છે. સદર સુવિધાપથ બનવાથી ગામના આંતરિક વિસ્તારો અને સ્ટેટ હાઇવે વચ્ચેનું જોડાણ આધુનિક અને સરળ બનશે. ખાસ કરીને રેલવે સ્ટેશન તરફ જતા મુસાફરો અને ખેડૂતોને પરિવહનમાં મોટી રાહત થશે. ચોમાસા દરમિયાન જે કાદવ-કીચડની સમસ્યા સર્જાતી હતી, તેનો હવે કાયમી અંત આવશે. વધુમાં, આધુનિક રસ્તાઓને કારણે સમય અને ઇંધણની બચત થશે અને સ્થાનિક વ્યાપાર-રોજગારને પણ નવો વેગ મળશે. ચિત્તલ ગામના વિકાસ માટે આ મહત્વની સિદ્ધિ હાંસલ કરવા બદલ મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.









































