અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા ચાવંડ ગામ નજીક તા.૩૦ માર્ચની વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભાવનગર ખાતે આયોજિત એક લગ્નપ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા જાનૈયાઓની લક્ઝરી બસને અચાનક અકસ્માત નડ્‌યો હતો. ભાવનગરથી જામનગર તરફ જઈ રહેલી આ બસના ચાલકને વહેલી સવારના સમયે અચાનક ઊંઘનું જોરદાર ઝોકું આવી ગયું હતું. ડ્રાઈવર કાબૂ ગુમાવવાના કારણે સ્પીડમાં જઈ રહેલી આખી બસ રોડની બાજુમાં પલટી મારી ગઈ હતી. આ બસ પાર્થ ટ્રાવેલ્સ નામની ખાનગી ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળ્યું છે. આ અચાનક બનેલી ઘટનાને કારણે બસમાં સવાર તમામ મુસાફરો ભારે ગભરાઈ ગયા હતા અને આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. લગ્નનો આનંદ માણીને ખુશી-ખુશી પોતાના ઘેર પરત ફરી રહેલા જામનગરના આ પરિવારો માટે આ સવાર અત્યંત ડરામણી સાબિત થઈ હતી. અકસ્માત સમયે બસમાં અંદાજે ચાલીસ જેટલા જાનૈયાઓ સવાર હતા. બસ પલટી જતાં જ અંદર બેઠેલા લોકોમાં જોરદાર ચીસાચીસ અને ભારે દેકારો મચી ગયો હતો. આ અકસ્માતમાં આશરે પચ્ચીસ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
સ્થાનિક લોકો અવાજ સાંભળીને તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો પણ ઘટનાસ્થળે સમયસર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા તમામ પચ્ચીસ મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે લાઠી, બાબરા તેમજ ઢસા સહિતની નજીકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની વિગતવાર માહિતી મળતાની સાથે જ લાઠી પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આ બાબતે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. સદનસીબે આટલી મોટી ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવા છતાં પણ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. તમામ ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજાઓ જ પહોંચી હોવાથી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી હતી. આ રીતે એક બહુ મોટી ઘાત ટળી ગઈ હતી અને લોકોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો.