રાજસ્થાનના જાલોર જિલ્લામાં સુંધ ટેકરી પર સ્થિત માતા ચામુંડાનું લગભગ ૯૦૦ વર્ષ જૂનું મંદિર છે . જે માઉન્ટ આબુથી ૬૪ કિમી (૪૦ માઇલ)ના અંતરે આવેલું છે.
સુન્ધા પર્વત પર અરવલ્લી પર્વતમાળામાં ૧,૨૨૦ મીટર (૪,૦૦૦ ફૂટ) ઊંચાઈ પર આવેલું ચામુંડા દેવીનું મંદિર, જે ભક્તો દ્વારા સુંધા માતા તરીકે પૂજાય છે. જે જિલ્લા મુખ્યાલયથી ૧૦૫ કિમી (૬૫ માઇલ) અને ભીનમાલથી ૩૫ કિમી (૨૨ માઇલ)ના અંતરે રાનીવારા તાલુકાના દંતલાવ ગામ પાસે માલવાડાથી જસવંતપુરા રોડની મધ્ય પૂર્વમાં આવેલું છે.
ગુજરાત ,રાજસ્થાન અને ભારતભરમાંથી ભક્તો માના દર્શનાર્થે ઉમટે છે.અહીંનું વાતાવરણ લીલી-લીલી હરિયાળીથી હર્યું-ભર્યું અને આકર્ષક છે. પર્વત પર આખું વર્ષ ધોધ વહે છે. વિવિધ સમાજના ભક્તો માટે અનેક સમુદાય કેન્દ્ર સ્થાપ્યાં છે, રાત્રે ટેકરીની ટોચ પર રહેવા અને ચામુંડાની પૂજા કરવા માટે ખૂબ જ સારી સુવિધા મળી રહે છે .
સ્થાપત્યઃ
સુંધા માતા મંદિર સફેદ આરસપહાણથી બનેલું છે , જે સ્તંભો આબુના દેલવાડા મંદિરના સ્તંભો જેવા છે. વિશાળ પથ્થર નીચે દેવી ચામુંડાની મૂર્તિ ઊભી છે. અહીં ચામુંડાના માથાની પૂજા કરાય છે. કહેવાય છે કે માતા ચામુંડાનું સૂંઢ કોર્ટામાં અને પગ સુંદરલા પાલ (જાલોર)માં સ્થાપિત છે. માતા ચામુંડાની સામે ભૂરભુવ સ્વવેશ્વર શિવલિંગ સ્થાપિત છે. મુખ્ય મંદિરમાં શિવ-પાર્વતીની જોડી મૂર્તિ , ગણેશની મૂર્તિ ખૂબ જૂની અને લુપ્ત મનાય છે.
ઇતિહાસઃ
મંદિર પરિસરમાં ૩ ઐતિહાસિક મહત્વપૂર્ણ શિલાલેખ છે જે આ પ્રદેશના ઇતિહાસને ઉજાગર કરે છે. સુંધામાતા મંદિરનું નિર્માણ દેવળ પ્રતિહારો દ્વારા જાલોરના શાહી ચૌહાણોની મદદથી કરાયું હતું . પહેલો શિલાલેખ ઈ.સ.૧૨૬૨નો છે, જે ચૌહાણોના વિજય અને પરમારોના પતનનું વર્ણન કરે છે. બીજો શિલાલેખ ૧૩૨૬નો છે અને ત્રીજો ૧૭૨૭નો છે.સુંધ શિલાલેખો ઐતિહાસિક દ્રષ્ટિએ ખાસ મહત્વ ધરાવે છે – જેમ કે હરિષેન શિલાલેખ કે દિલ્હીનો મહેરૌલી સ્તંભ શિલાલેખ. સુંધ શિલાલેખો ભારતના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે.
પ્રાચીન સમયમાં આ મંદિરમાં નાથ યોગીઓ દ્વારા પૂજા કરાતી હતી. સિરોહી રાજ્યના સમ્રાટે “સોનાની”, “ડેડોલ” અને “સુંધા કી ધની” ગામોની જમીન નાથ યોગી રાબડ નાથ ને આપી હતી, જેઓ તે સમયે સુંધા માતા મંદિરમાં પૂજા કરતા હતા. નાથ યોગી અજયનાથના મૃત્યુ પછી, પૂજા કરવા માટે કોઈ નહોતું તેથી રામનાથ (તે સમયે મેંગલવાના આયાસ)ને જવાબદારી લેવા ત્યાં લઈ જવાયા હતા. પ્રાચીન સમયમાં જોધપુરના રાજા મહારાજા જસવંત સિંહ દ્વારા મેંગલવા અને ચિત્રોડી ગામની જમીન આ નાથ યોગીઓને આપી હતી. તેથી મેંગલવાના નાથ યોગીઓને “આયાસ” કહેવાતા હતા. રામનાથના મૃત્યુ પછી, રામનાથના શિષ્ય બદ્રી નાથ સુંધા માતા મંદિરમાં આયાસ બન્યા અને પૂજાની જવાબદારી લીધી. તેમણે “સોનાની”, “ડેડોલ”, “મેંગલવા” અને “ચિત્રોડી” ની જમીનની પણ સંભાળ રાખી. સમય પસાર થતો ગયો તેમ, બધુ સંચાલન કરવા કોઈ નહોતું, તેથી મંદિરની દેખરેખ અને પર્યટનના સંચાલન માટે સુંધા માતા ટ્રસ્ટનું આયોજન કરાયું હતું.
જેસલમેરના શ્રી નાથજી સોની સાહેબ, જેસલમેર રાજ્યના શાહી ઝવેરીઓ પણ સુન્ધામાતાના અગ્રણી ભક્તોમાંના એક હતા, જે જાલોરના ભીનમાલમાં ચામુંડા માતાના અન્ય સ્વરૂપ હતા. સુંધા માતા લહેચા ગોત્રના શ્રીમાળી બ્રાહ્મણ સોનારા એટલે કે નાથાણી સોનારાના કુળદેવી છે.
સુંધામાતા રોપવેઃ
સુંધા પર્વત પર ચઢવા માટે રોપવે સેવા શરૂ કરાઇ છે, જેથી યાત્રાળુઓની યાત્રા સરળ બનવાની સાથે યાદગાર અનુભવ મળી રહે.
વન્યજીવન અભયારણ્યઃ
નજીકમાં જ ૧૦૭ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું વન્યજીવન અભયારણ્ય જોવા-જાણવા-માણવાલાયક છે. જાવિયા વન વિસ્તારમાં આવેલા ખોડેશ્વર મહાદેવમાં વન્યજીવન અને કુદરતી સ્થળો પણ છે. સ્લોથ રીંછ, નીલગાય જંગલી બિલાડી, રણ શિયાળ, પટ્ટાવાળી શિયાળ, હનુમાન લંગુર, ગીધ, ઘુવડ, ભારતીય શાહુડી, ખડક અને જંગલ ઝાડી, બટેર, ટપકાંવાળા કબૂતર અને ૧૨૦ પ્રજાતિના પક્ષીઓ અહીં કુદરતી વાતાવરણમાં વિહરતાં જોવા મળે છે.
મેળાઃ
નવરાત્રી દરમિયાન ગુજરાત અને નજીકના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. આ સમય દરમિયાન ગુજરાત એસટી નિગમ પાલનપુર, ડીસા અને અન્ય સ્થળેથી નિયમિત બસ દોડાવે છે.
સુવિધાઃ
મંદિર નજીક અનેક જ્ઞાતિઓના ટ્રસ્ટ દ્વારા ભક્તો રાત્રિ દરમિયાન આરામ કરી શકે અને પર્વતના દૃશ્યોનો આનંદ માણી શકે તે માટે ધર્મશાળાઓ નિર્માણ કરાઇ છે.









































