(૧) નેતાના વચન અને પ્રેમીના વચન વચ્ચે શું અંતર?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
નેતા આખા સમાજને ધ્યાનમાં રાખીને વચન આપે. પ્રેમી એક જ વ્યક્તિને વચન આપી શકે, આખા સમાજને નહી!
(૨) એવી કોઈ સ્પર્ધા છે કે જેમાં ભાગ લેનાર બધા પ્રથમ નંબર મેળવે?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
તમે જ સ્પર્ધાનું આયોજન કરો. એમાં વહેલા તે પહેલાના ધોરણે તમે એક જ ફોર્મ ભરો. તમારો જ પ્રથમ નંબર આવશે.
(૩) તમારી એક કોલમનું નામ પતાકડુંને બદલે ગતકડું કેમ રાખ્યું છે?
યોગેશભાઈ આર. જોશી(હાલોલ જિ.પંચમહાલ)
પ્રિન્ટ મિસ્ટેક.
(૪) મા અને બા વચ્ચે શું તફાવત?
બાલુભાઈ કિકાણી (લીલિયા મોટા)
પપ્પા અને પાપા વચ્ચે હોય એટલો.
(૫) બધાનાં મગજ અલગ અલગ છે એમ ખબર કેમ પડે?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
પડી જાય હો.. હોય તો!
(૬) વિશ્વકપ માટે ટીમમાંથી શુભમન ગિલને પડતો મૂક્યો. હવે શું થશે?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ચિંતા કરો મા. એનું ઘર ચાલે એટલી સગવડ તો એણે કરી લીધી હશે.
(૭) મારો પ્રશ્ન એ છે કે સોના કરતા ચાંદી કેમ મોંઘુ છે?
દયાબેન ડણાંક (અમરેલી)
મારો જવાબ એ છે કે સોનું મોંઘુ છે, ચાંદી નહી.
(૮) માણસમાત્ર ભૂલને પાત્ર. આપે ભવ્ય ભયંકર ભૂલો શું કરેલી?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયામોટા)
સવાલના જવાબ આપવાની.
(૯) ઉત્તરાયણમાં પવનની સ્પીડ કેટલી રહેશે?
ફિરોઝ કનોજિયા (રાજુલા)
આગલે દિવસે સાંજે જાહેર કરવામાં આવશે.
(૧૦) સન્માન અને અપમાનમાં શું ફરક?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
ફૂલ અને શૂળ જેટલો.
(૧૧) શિયાળામાં કેટલા દિવસે ન્હાવું જોઇએ ?
રતીલાલ ડાભી (લીલીયા મોટા)
શિયાળામાં આવતી દર એકત્રીસ તારીખે.
(૧૨) શિયાળાની સવારમાં ગાદલું અને ગોદડું આપણને કેમ છોડતા નથી?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ઉનાળામાં એ લોકો આપણાથી દૂર રહેવાની ભૂલ કરે છે એનો પસ્તાવો થવાથી એ આપણને છોડતા નથી.
(૧૩) જીવનની એવી કઈ ભૂલ છે જેમાં ભૂલ કરે બીજા અને સજા આપણે ભોગવવી પડે?
કનુભાઈ પરમાર (દામનગર)
લખતી વખતે જોડણીની ભૂલ બીજા કરે ને વાંચવું આપણે પડે છે!
(૧૪) નિમક ખારું હોય છે તોય લોકો તેને મીઠું કેમ કહે છે? – મુસ્તુફા કનોજિયા (રાજુલા)
આ સવાલ એટલીવાર પૂછાયો છે કે હવે ખુદ મીઠું આવીને ખુલાસો આપે તો પણ લોકો માનવાના નથી.
(૧૫) પહેલા બહુ કામ કરતા હતા તો પણ લોકોને પગ ન દુઃખતા. હવે શા માટે દુઃખવા લાગ્યા છે?
માહીબેન ડણાક (અમરેલી)
પગને ખબર પડી ગઈ હશે કે દુઃખાવાની દવાની શોધ થઈ છે એટલે ચાલો દુઃખીએ!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..











































