ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એક મોટી જાહેરાત કરી હતી અને માહિતી આપી હતી કે ચાર ઇન્ડિયન પ્રીમિયર લીગ ટીમોના માલિકોએ ધ હંડ્રેડમાં ટીમના વ્યૂહાત્મક ભાગીદાર બનવા માટે હિસ્સો ખરીદ્યો છે. ધ હંડ્રેડમાં માલિકી ભાગીદારોમાં ભારતના જીએમઆર, સન ટીવી નેટવર્ક લિમિટેડ,આરપીએસજી ગ્રુપ અને રિલાયન્સ ગ્રુપનો સમાવેશ થાય છે. ઇસીબીએ કહ્યું કે આ કરાર રમતને પ્રોત્સાહન આપવા માટે વધુ મજબૂતી આપશે.
ઇસીબી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ચારેય ટીમોના ભાગીદારોને ૧ ઓક્ટોબર, ૨૦૨૫થી સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવશે. છેલ્લા કેટલાક મહિનામાં ઘણી આઇપીએલ ટીમોએ ધ હંડ્રેડમાં ટીમોમાં હિસ્સો ખરીદ્યો છે. આમાં મુખ્યત્વે લખનૌ સુપર જાયન્ટ્‌સ, મુંબઈ ઇન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સનો સમાવેશ થાય છે. આ સોદા અંગે, ઇસીબીએ એમ પણ કહ્યું કે ૨ ભાગીદારો સાથે હજુ સુધી કોઈ કરાર થયો નથી, જે નિર્ધારિત શરતો મુજબ કરવામાં આવશે.આઇપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્‌સ ટીમનું માલિક આરપીએસજી ગ્રુપે ધ હંડ્રેડમાં માન્ચેસ્ટર ઓરિજિનલ્સમાં ૭૦ ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.
આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના માલિક સન ટીવી નેટવર્કે ધ હંડ્રેડમાં નોર્ધન સુપરચાર્જર્સ ટીમમાં ૧૦૦ ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. તમને જણાવી દઈએ કે સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે દક્ષિણ આફ્રિકામાં રમાયેલી એસએ૨૦માં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપમાં પણ ૧૦૦ ટકા હિસ્સો છે. આ ઉપરાંત, દિલ્હી કેપિટલ્સ ટીમના સહ-માલિક જીએમઆર ગ્રુપને સધર્ન બ્રેવ ટીમમાં ૪૯ ટકા હિસ્સો મળ્યો છે, જ્યારે રિલાયન્સ ગ્રુપને ઓવલ ઇન્વીન્સિબલ્સ ટીમમાં ૪૯ ટકા હિસ્સો મળશે, જેની જાહેરાત બધી શરતો પૂર્ણ થયા પછી ટૂંક સમયમાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ધ હન્ડ્રેડની આગામી સીઝન ૫ ઓગસ્ટથી શરૂ થશે.